Captain Smit Machhar: દુબઈથી ઇઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ફ્લાઇટમાં મધ્ય-આકાશમાં સર્જાયેલી ભયાનક ઈમરજન્સી અને જીવલેણ હુમલા વચ્ચે 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. કેપ્ટન સ્મિતની અસાધારણ સાહસિકતા અને સૂઝબૂઝથી પ્રભાવિત થઈને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને "વૈશ્વિક હીરો" તરીકે બિરદાવ્યા છે. આ સાથે જ નેતન્યાહૂએ કેપ્ટન સ્મિત મચ્છર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંનેને ઇઝરાયેલના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે મશાલ પ્રગટાવવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલના વડાપ્રધાને અગાઉ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 38 વર્ષીય કેપ્ટન સ્મિત સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમની વીરતાને બિરદાવી હતી.
આ પણ વાંચો
કોકપિટમાં બનેલી ભયાનક ઘટનાનો ખુલાસો
બુધવારે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 કુલ 174 મુસાફરોને લઈને ઇઝરાયેલ તરફ ઉડાન ભરી રહી હતી. આ વિમાનમાં ઓમાનના નાગરિક હમ્મામ અલ-હમ્મામી સહ-પાયલટ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વિમાન જ્યારે 34,000 ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે કોકપિટની અંદર જ એક ગંભીર અને ભયાનક ઘટના ઘટી હતી.
નેતન્યાહૂ સાથેની વાતચીતમાં કેપ્ટન સ્મિતે આ ઘટના વર્ણવતા જણાવ્યું કે, હુમલાના થોડા સમય પહેલા જ સહ-પાયલટે પ્રાર્થના કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વ્યાવસાયિક આદરભાવ અને સંસ્કારને કારણે કેપ્ટન સ્મિતે પોતાની નજર સામેની તરફ ફેરવી લીધી હતી જેથી સહ-પાયલટ શાંતિથી પોતાની પ્રાર્થના કરી શકે.
જોકે, તેના ચારથી પાંચ મિનિટ બાદ અચાનક કેપ્ટન સ્મિતના માથાના પાછલા ભાગે જોરદાર પ્રહાર થયો હતો. પ્રથમ તો તેમને એવું લાગ્યું કે વિમાનમાં કોઈ મોટી યાંત્રિક કે ટેકનિકલ ખામી સર્જાઈ છે, પરંતુ સતત થતા હુમલાઓને કારણે તેમને તુરંત સમજાઈ ગયું કે હુમલો વિમાનની બહારથી નહીં પણ કોકપિટની અંદર તેમના પોતાના સાથી પાયલટ દ્વારા જ થઈ રહ્યો હતો. સહ-પાયલટે કોકપિટમાં સુરક્ષા માટે રાખવામાં આવતી ઈમરજન્સી 'ક્રેશ એક્સ' (કટોકટીની કુહાડી) વડે કેપ્ટન સ્મિત પર જીવલેણ હુમલો કર્યો હતો.
અસાધારણ સંયમ અને 174 મુસાફરોનું સુરક્ષિત રેસ્ક્યૂ
ગંભીર રીતે ઘાયલ થવા છતાં અને લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે અદ્ભુત ધીરજ અને માનસિક સંતુલન જાળવી રાખ્યું હતું. તેમણે તુરંત જ વિમાનનું ઈમરજન્સી સિગ્નલ સક્રિય કર્યું અને 34,000 ફૂટની ઊંચાઈએથી વિમાનને કંટ્રોલ કરીને ઝડપથી નીચે લાવવાનું શરૂ કર્યું.
હુમલા દરમિયાન વિમાનનું રડર (દિશા નિયંત્રક ભાગ) ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોવા છતાં, કેપ્ટને અત્યંત કુશળતાપૂર્વક વિમાનને 17,000 ફૂટથી ઓછી ઊંચાઈએ લાવીને સાઉદી અરેબિયામાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. કેપ્ટન સ્મિતની આ ત્વરિત સૂઝબૂઝને કારણે જ વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોના જીવ બચી ગયા હતા. આ અસાધારણ બહાદુરી બદલ આજે સમગ્ર વિશ્વ તેમને સલામ કરી રહ્યું છે.
