Nepal New PM: નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી વચગાળાના વડાંપ્રધાન બન્યાં છે. સુશીલા કાર્કીએ આજે વચગાળાના વડાંપ્રધાન તરીકે શપથ લીધા હતા. અગાઉ, નેપાળની સંસદ ભંગ કરવામાં આવી હતી.
GEN-Zના ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શનો બાદ કેપી શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર પ્રતિબંધને કારણે નેપાળમાં વર્ષોમાં સૌથી ખરાબ ઉથલપાથલ શરૂ થઈ હતી અને ઓલીના રાજીનામા પછી જ હિંસા બંધ થઈ હતી. આ અઠવાડિયે હિંસક વિરોધ પ્રદર્શનોમાં 51 લોકો માર્યા ગયા હતા અને 1,300થી વધુ ઘાયલ થયા હતા.
સર્વસંમતિ પછી સુશીલા વચગાળાના વડાંપ્રધાન બન્યા
બધા મુખ્ય રાજકીય પક્ષો અને જનરલ-ઝેડ વિપક્ષી જૂથના પ્રતિનિધિઓ વચ્ચે સર્વસંમતિના આધારે કાર્કીના નામ પર સંમતિ સાધી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર, શપથ ગ્રહણ સમારોહ રાત્રે 9 વાગ્યે યોજાયો હતો.
અગાઉ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને આર્મી ચીફ અશોક રાજ સિગડેલ દ્વારા સલાહ લેવામાં આવેલા બંધારણીય નિષ્ણાતે કહ્યું હતું કે- સુશીલા કાર્કીને વચગાળાના વડાંપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવશે. સૂત્રએ એમ પણ કહ્યું હતું કે- તેઓ (જનરેશન ઝેડ) તેમને ઇચ્છે છે. તે આજે જ થઈ જશે. તેમનો ઈશારો જનરેશન ઝેડ પ્રદર્શનકારીઓ તરફ હતો.
પૌડેલના નિવાસસ્થાને મુલાકાત બાદ જાહેરાત
નેપાળના પ્રથમ અને એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ કાર્કી તેમની પ્રામાણિકતા, નિષ્ઠા અને ભ્રષ્ટાચાર સામે ઉભા રહેવા માટે જાણીતા છે. વાટાઘાટોમાં સામેલ જનરલ ઝેડના સૂત્રએ જણાવ્યું હતું કે, પૌડેલના નિવાસસ્થાને થયેલી બેઠક બાદ તેમની નિમણૂક ઔપચારિક રીતે કરવામાં આવી છે.
(સમાચાર એજન્સી રોઇટર્સના ઇનપુટ્સ સાથે)
