Nepal New PM Announcement News, Sushila Karki: નેપાળમાં Gen Z આંદોલન વચ્ચે વચગાળાની સરકારની રચના પર સર્વપક્ષીય સહમતિ સધાઈ છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલ અને કાયદાશાસ્ત્રીઓ સાથે લાંબી ચર્ચા બાદ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નામ પર સહમતિ દર્શાવી છે. જો કે હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. હાલ વર્તમાન સરકારને ભંગ કરવી કે નહિ તે અંગે વાતચીત ચાલી રહી છે.
Gen Z જૂથોમાં વડાપ્રધાન નામ પર અલગ મત
ગુરુવારે વચગાળાના વડાપ્રધાનને લઈને Gen Z જૂથોમાં એકમત નહોતો. સાંજે સેના મુખ્યાલય નજીક આ મામલે બે જૂથોના સમર્થકો વચ્ચે અથડામણ પણ થઈ હતી. ત્યારબાદ પરિસ્થિતિ બેકાબૂ બનતી દેખાઈ રહી હતી. સૂત્રો અનુસાર Gen Z જૂથોએ રાત્રિ સુધીમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકવાની સ્થિતિમાં શુક્રવાર સવારથી આંદોલન તેજ કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ પરિસ્થિતિ ગંભીર બની ગઈ. પરંતુ રાષ્ટ્રપતિની પહેલથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી.
સુશીલા કાર્કીના નામ પર સહમતિ
બંધારણના નિયમોમાં રહીને Gen Z જૂથોની માંગણીઓ પૂરી કરીને નેપાળને સંકટમાંથી બહાર લાવવા માટે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલ, વરિષ્ઠ કાયદાશાસ્ત્રી ઓમપ્રકાશ આર્યલ સાથે લાંબી વાતચીત થઈ. રાજકીય પક્ષો સાથે પણ સંકલન કરીને વચગાળાની સરકારની રચના તરફ આગળ વધવાના પ્રયાસો થયા. આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે વચગાળાના વડાપ્રધાનને લઈને દિવસભર ચાલેલી મડાગાંઠ બાદ રાત્રિના લગભગ બે વાગ્યે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નામ પર સૌની સહમતિ બની.
કોણ છે Sushila Karki
7 જૂન 1952ના રોજ બિરાટનગરમાં સુશીલા કાર્કીનો જન્મ થયો હતો. તેમણે મહેન્દ્ર મોરાંગ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર કર્યું અને બાદમાં નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી મેળવીને કાનૂની સુધારાના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરી. સુપ્રીમ કોર્ટમાં પોતાની કારકિર્દી દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર સામે સખત નિર્ણયો આપ્યા અને મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરી.
