Nepal Flood: નેપાળમાં 26 ઓગસ્ટે ગ્લેશિયર તૂટી પડવાથી સર્જાયેલી મહાવિનાશક પૂરની હોનારત બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધખોળમાં ૧૧મા દિવસે અદ્ભુત અને ચમત્કારિક સફળતા મળી છે. સેંકડો મીટર ઊંડી ટનલ અને ઘરના કાટમાળમાંથી બે લોકોને જીવંત બહાર કાઢવામાં આવતાં રાહત અને બચાવ ટીમોનું મનોબળ વધી ગયું છે. આ ભયાનક આપત્તિમાં મૃત્યુઆંક વધીને 1,344 પર પહોંચ્યો છે, જ્યારે 5,000 થી વધુ લોકો હજુ પણ ગુમ છે.
225 મીટર ઊંડી ટનલમાંથી ચીની નાગરિકનો બચાવ
નેપાળી સેના અને દક્ષિણ કોરિયાની બચાવ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અપર ત્રિશુલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટની 225 મીટર ઊંડી 'અદિત ટનલ 4' માં ફસાયેલા ચીની નાગરિક લુ હૈતાઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આશ્ચર્યજનક રીતે લુ હૈતાઓને કોઈ ગંભીર શારીરિક ઈજા થઈ ન હતી અને તેમને હેલિકોપ્ટર મારફતે આર્મી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. વિવિધ પ્રોજેક્ટ્સની ટનલોમાં હજુ પણ 900 થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
પરિવારે અંતિમ સંસ્કાર કરી દીધા હતા તે મહિલા જીવંત મળી
બીજી તરફ, નુવાકોટના બિદુર વિસ્તારમાં ચાર માળના મકાનના કાટમાળમાંથી 60 વર્ષીય ચંડિકા કુમારી શ્રેષ્ઠાને બેભાન હાલતમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, ઘણા દિવસો સુધી શોધખોળ બાદ મહિલા ન મળતા પરિવારે તેને મૃત માનીને કુશ ના પૂતળા બનાવી પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. ચંડિકાબેન જીવંત મળતાં પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
5,000 થી વધુ ગુમ, તિબેટમાં પણ ભારે તારાજી
હવાઈ સર્વેલન્સ માટે 20 થી વધુ હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે. અત્યાર સુધીમાં 13,100 થી વધુ લોકોને ઉગારી લેવાયા છે. આપત્તિની અસર તિબેટ સુધી પહોંચી છે, જ્યાં 21 લોકોના મોત થયા છે અને 500 થી વધુ ગુમ છે. આ તરફ નેપાળમાં 1,030 થી વધુ મૃતદેહોને હોસ્પિટલોમાં જગ્યાના અભાવે ડીએનએ સેમ્પલ લઈને અસ્થાયી રૂપે દફનાવવામાં આવ્યા છે.
