Nepal Glacier Burst Flash Flood: નેપાળમાં ગ્લેશિયર તૂટી પડવાના કારણે આવેલી વિનાશક અચાનક પૂરની હોનારતમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે. આ કુદરતી આપદામાં મૃત્યુઆંક વધીને 1,377 પર પહોંચી ગયો છે, જ્યારે 5,000થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. 26 ઓગસ્ટે આવેલા આ કુદરતી પ્રકોપે નેપાળના નવ જેટલા જિલ્લાઓમાં ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે.
5,130 લોકો ગુમ, 13,656થી વધુ લોકોનું રેસ્ક્યૂ
નેપાળી સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, પૂર બાદ અત્યાર સુધીમાં 5,130 લોકો ગુમ હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચલાવીને અત્યાર સુધીમાં 13,656 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને બચાવી લેવામાં આવ્યા છે. સેના અને આપદા વ્યવસ્થાપન ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
મુસ્તાંગ જિલ્લામાં ભૂકંપના આંચકાથી 300થી વધુ મકાનોને નુકસાન
પૂરની હોનારત વચ્ચે નેપાળના મુસ્તાંગ જિલ્લામાં મંગળવારે રાત્રે એક પછી એક ભૂકંપના આઠ આંચકા અનુભવાયા હતા. કાઠમંડુથી વાયવ્ય દિશામાં 350 કિમી દૂર આવેલા આ વિસ્તારમાં ભૂકંપના કારણે 300થી વધુ મકાનો અને શાળાની ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. નેપાલી કોંગ્રેસના સાંસદ યોગેશ ગૌચને સરકાર સમક્ષ રજૂઆત કરીને ભૂકંપ અને પૂર પ્રભાવિત લોકોને તાત્કાલિક રાહત સામગ્રી પૂરી પાડવા વિનંતી કરી છે.
LPG ગેસની અછત સામે વિદ્યાર્થીઓનું રોડ પર રસોડું બનાવી વિરોધ પ્રદર્શન
કુદરતી આપદાઓ વચ્ચે નેપાળમાં LPG રાંધણ ગેસની તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી છે. આ અછત સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ કેમ્પસના પ્રવેશદ્વાર પર કામચલાઉ રસોડું બનાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે 'રત્ન રાજ્ય લક્ષ્મી કેમ્પસ'ના મુખ્ય દ્વાર પાસે જ રસ્તા પર ભાત અને 'ગુન્દ્રુક-આલુ' (આથો લાવેલી પાંદડાવાળી શાકભાજી અને બટાકા) નું ભોજન રાંધીને 40 જેટલા વિદ્યાર્થીઓએ સાથે બેસીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
