Nepal Floods Death Toll: નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની રહી છે. સમગ્ર દેશમાં વિખરાયેલા કાટમાળ વચ્ચે બચી ગયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. સત્તાવાર આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 939 લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 4,000 થી વધુ લોકો હજુ પણ ગુમ છે.
એક જ ઘરના કાટમાળમાંથી 24 મૃતદેહ મળી આવ્યા
બચાવ કામગીરી દરમિયાન મંગળવારે નુવાકોટ જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભોટે કોશી પૂરગ્રસ્ત વિસ્તારમાં આવેલા બિદુર મ્યુનિસિપાલિટી-10 (વેત્રાવતી) ખાતે એક જ ઘરના કાટમાળમાંથી 24 મૃતદેહો મળી આવ્યા હતા. નુવાકોટના એસપી બિપિન રેગ્મીના જણાવ્યા અનુસાર, આ મૃતદેહોમાં 13 મહિલાઓ, 11 પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે. મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, તેથી તેમને પોસ્ટમોર્ટમ માટે કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આચાર્યની સમયસૂચકતાથી 900 વિદ્યાર્થીઓનો જીવ બચ્યો
આ ભયાનક આપત્તિ વચ્ચે ત્રિશૂલી માધ્યમિક શાળાના આચાર્ય રાજેન્દ્ર દાવાડીની ત્વરિત વિચારસરણીએ મોટી દુર્ઘટના ટાળી હતી. પૂરની ચેતવણી મળતાં જ તેમણે તાત્કાલિક શાળા ખાલી કરાવીને હાજર આશરે 900 વિદ્યાર્થીઓને નજીકની સલામત ટેકરી પર પહોંચાડી દીધા હતા. તેના થોડા જ સમયમાં કાદવ, પાણી અને પથ્થરોના જોરદાર પ્રવાહે આખી શાળાને જમીનદોસ્ત કરી દીધી હતી. જોકે, શાળાના બે સ્ટાફ સભ્યો સમયસર બહાર ન નીકળી શકતા ગુમ થયા છે. આ સિવાય રાસુવા જિલ્લાના ઉત્તરગયા ગામમાંથી પણ 350 જેટલા વિદ્યાર્થીઓ ગુમ હોવાના અહેવાલ છે.
કાટમાળમાંથી દુર્ગંધ અને રોગચાળાનો ભય
ઘટનાના એક સપ્તાહ બાદ હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં એક નવી કટોકટી ઊભી થઈ છે. કાદવ અને કાટમાળ નીચે દટાયેલા મૃતદેહો સડવા લાગતાં આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે રોગચાળો ફાટી નીકળવાનું મોટું જોખમ ઊભું થયું છે. હવે બચાવ એજન્સીઓ સામે મૃતદેહો બહાર કાઢવાની સાથે સ્વચ્છતા જાળવવાનો અને આરોગ્ય વિષયક કટોકટી ઉકેલવાનો મોટો પડકાર આવી પડ્યો છે.
