Nepal Flood: નેપાળમાં શિક્ષકની સૂઝબૂઝથી 700 થી વધુ બાળકોનો આબાદ બચાવ, આંખના પલકારામાં આખી શાળા નદીમાં તણાઈ

શાળામાં ભયનો માહોલ ન સર્જાય અને નાસભાગ ન થાય તે ધ્યાનમાં રાખીને આચાર્ય અને સ્ટાફે શાંતિપૂર્ણ રીતે તમામ બાળકોને વર્ગખંડોમાંથી બહાર કાઢી નજીકની ઊંચી ટેકરી તરફ ખસેડવાનું શરૂ કર્યું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 02 Sep 2026 08:46 AM (IST)Updated: Wed, 02 Sep 2026 08:46 AM (IST)
nepal-flood-principal-rajendra-dawadi-saves-700-students-trishuli-school
રાજેન્દ્ર દાવડી આચાર્ય

Trishuli School Nepal Flood: નેપાળમાં આવેલા વિનાશક પૂર વચ્ચે એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે. ત્રિભુવન ત્રિશુલી માધ્યમિક શાળાના આચાર્ય રાજેન્દ્ર દાવડીએ પોતાની ત્વરિત બુદ્ધિમત્તા અને ઝડપી નિર્ણયશક્તિથી 700 થી વધુ નિર્દોષ બાળકોના જીવ બચાવીને મોટો વિનાશ ટાળ્યો છે.

એક સામાન્ય સવાર અને કાળ બનીને આવેલો કોલ

26 ઓગસ્ટની સવારે શાળા સામાન્ય દિવસની જેમ શરૂ થઈ હતી. આચાર્ય રાજેન્દ્ર દાવડીએ શાળામાં હાજરી લીધા બાદ જોયું કે આશરે 900 વિદ્યાર્થીઓ હાજર હતા. તેઓ 10મા ધોરણના વર્ગમાં ભણાવી રહ્યા હતા ત્યારે જ એકાઉન્ટન્ટ અને અન્ય શિક્ષકો દોડી આવ્યા. તેમણે ચેતવણી આપી કે ઉપરવાસમાંથી ત્રિશુલી નદીનું પાણી ભયાનક ગતિએ વહી રહ્યું છે.

શરૂઆતમાં આચાર્યને લાગ્યું કે આ કદાચ અફવા હોઈ શકે છે. પરંતુ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર તેમણે વિચાર્યું કે, "જો આ વાત ખોટી નીકળે તો કોઈ નુકસાન નથી, પણ જો સાચી હશે તો મોટો વિનાશ સર્જાશે." આ જ વિચારે તેમને બાળકોની સુરક્ષા માટે ત્વરિત નિર્ણય લેવા પ્રેર્યા.

નાસભાગ વગર સુરક્ષિત સ્થળે સ્થળાંતર

શાળામાં ભયનો માહોલ ન સર્જાય અને નાસભાગ ન થાય તે ધ્યાનમાં રાખીને આચાર્ય અને સ્ટાફે શાંતિપૂર્ણ રીતે તમામ બાળકોને વર્ગખંડોમાંથી બહાર કાઢી નજીકની ઊંચી ટેકરી તરફ ખસેડવાનું શરૂ કર્યું. જોતજોતામાં વાલીઓ પણ પહોંચવા લાગ્યા અને 700 થી વધુ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે ટેકરી પર પહોંચી ગયા.

નજર સામે જ શાળા તણાઈ ગઈ

બાળકો ટેકરી પર પહોંચ્યાના થોડા જ સમયમાં ત્રિશુલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જોતજોતામાં પ્રચંડ પ્રવાહમાં આખી શાળાની ઈમારત, વર્ગખંડો અને સાધનો તણાઈ ગયા. જે સ્થળે થોડી મિનિટો પહેલા બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, તે જગ્યા નજર સામે ગાયબ થઈ ગઈ.

બાદમાં નેપાળી સેનાના હેલિકોપ્ટર દ્વારા ટેકરી પર ફસાયેલા બાળકો અને શિક્ષકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ હોનારતમાં એક શિક્ષક અને એક સ્ટાફ સભ્ય ગુમ હોવાના અહેવાલ છે, પરંતુ 700 થી વધુ બાળકોનો જીવ બચાવીને આચાર્ય રાજેન્દ્ર દાવડી રિયલ હીરો સાબિત થયા છે.