Nepal Flood Alert: બે મહિના પહેલા નેપાળમાં આવેલી કુદરતી આપદા બાદ અનેક લોકો હજુ પણ ગુમ છે, અને દેશ ભયાનક તારાજીમાંથી બહાર આવી શક્યો નથી. ત્યાં જ વધુ એક મોટી વિપત્તિના સમાચાર સામે આવ્યા છે. હવે બૂઢી ગંડક નદીમાં જળસ્તર સતત વધવાને કારણે પૂરનો ગંભીર ભય તોળાઈ રહ્યો છે. નેપાળી આર્મીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં નદીનું વધેલું સ્તર સ્પષ્ટ જોઈ શકાય છે.
NDRRMA દ્વારા અત્યંત ગંભીર ચેતવણી જારી
નેપાળમાં કુદરતી આપદાઓ સામે લડતી સંસ્થા રાષ્ટ્રીય આપદા જોખમ ન્યૂનીકરણ અને પ્રબંધન પ્રાધિકરણ (NDRRMA) દ્વારા દેશમાં ભારે પૂરના જોખમને ધ્યાનમાં રાખીને અત્યંત ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્રે તમામ નાગરિકોને સંપૂર્ણપણે સતર્ક રહેવા અને પૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
પ્રાધિકરણના જણાવ્યા અનુસાર, નેપાળના ચુમનુવ્રી ગ્રામીણ નગરપાલિકા-6 પાસે બુઢી ગંડક નદીમાં પાણીનું સ્તર અચાનક અને ખૂબ ઝડપથી વધી ગયું છે, જેનાથી ખૂબ મોટા પૂર આવવાની આશંકા ઊભી થઈ છે. વહીવટીતંત્રે આ કટોકટીની સ્થિતિમાં કડક માર્ગદર્શિકા પણ જારી કરી છે.
નાગરિકોને ઊંચા સ્થળોએ ખસી જવા આદેશ
જ્યાં સુધી પૂરનો ભય સંપૂર્ણપણે ટળી ન જાય, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ 'ત્રિશૂલી દોભાન' સુધી નદીની આસપાસ કે તેના કિનારા નજીક જવું નહીં. આ સાથે જ નદીના કાંઠાના વિસ્તારો અને નીચાણવાળા ભાગમાં રહેતા તમામ નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત અને ઊંચા સ્થળોએ જઈ પહોંચવા જણાવવામાં આવ્યું છે.
સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. વહીવટીતંત્રની આ અપીલનો મુખ્ય હેતુ સમયસર પગલાં ભરીને કોઈ પણ સંભવિત જાનહાનિ અટકાવવાનો છે. NDRRMA એ ટ્વીટ કરીને પણ લોકોને સલાહ આપી કે, બુઢી ગંડકી નદીમાં ભારે પૂર આવી રહ્યું હોવાથી ત્રિશૂલી દોભાન તરફ ન જવું અને ઊંચી જગ્યા પર જ રહેવું.
નેપાળી સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું
બુઢી ગંડક નદીમાં પૂર આવ્યા બાદ નેપાળી સેનાની ટુકડીને શોધ અને બચાવ કામગીરી માટે હવાઈ તથા જમીની માર્ગે રવાના કરવામાં આવી છે. ભૂસ્ખલનની સંભાવના ધરાવતા જગત વિસ્તારમાંથી સેનાએ 6 લોકોને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ ઉપરાંત, કાઠમંડુમાં તૈનાત 'કમ્પોઝિટ ક્વિક રિએક્શન ટીમ' ને પણ વિમાન મારફતે આ જ વિસ્તારમાં પહોંચાડવામાં આવી છે.
ગોરખા જિલ્લામાં પૂર, 35થી વધુ ઘરો તાણી ગયું
અધિકારીઓએ માહિતી આપી છે કે, આજે રવિવારના રોજ નેપાળના ગોરખા જિલ્લામાં એક નદીમાં કાટમાળ સાથે અચાનક આવેલા ભીષણ પૂરે 35 થી વધુ ઘરો અને પુલોને વહાવી દીધા હતા. વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે વસતા લોકોને તાત્કાલિક ઊંચા વિસ્તારોમાં ખસી જવા પુનઃ અપીલ કરવામાં આવી છે.
