Middle East Conflict: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઇરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને લઈને એક અત્યંત ગંભીર ચેતવણી આપી છે. તેમણે આ યુદ્ધના પરિણામોની સરખામણી કોરોનાવાયરસ (COVID-19) મહામારી સાથે કરી છે. પુતિનનું માનવું છે કે આ સંઘર્ષના પરિણામો એટલા ગંભીર હોઈ શકે છે જેનો અંદાજ લગાવવો અત્યારે મુશ્કેલ છે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
મોસ્કોમાં એક બિઝનેસ ફોરમને સંબોધતા પુતિને જણાવ્યું હતું કે, આ યુદ્ધમાં સામેલ દેશો પણ નથી જાણતા કે આગળ શું થવાનું છે. તેમણે કહ્યું કે આ સંકટ કોરોનાના આંચકાની જેમ જ વિશ્વના અનેક દેશોના વિકાસને ધીમો કરી શકે છે. આ યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને સપ્લાય ચેઈન પહેલેથી જ ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને હાઇડ્રોકાર્બન, ધાતુ અને ખાતર જેવા ક્ષેત્રો પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
તેલના ભાવમાં ભડકો
અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા નબળી પડતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 5.2% વધીને 107.54 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે, જ્યારે અમેરિકન તેલ (WTI) 4.9% વધીને 94.71 ડોલર પર પહોંચ્યું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) ના જણાવ્યા મુજબ, વૈશ્વિક વેપાર પ્રણાલી છેલ્લા 80 વર્ષમાં તેના સૌથી મોટા અવરોધનો સામનો કરી રહી છે.
અમેરિકાની સૈન્ય તૈયારીઓ
આ યુદ્ધ હવે 28 માં દિવસમાં પ્રવેશ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે કે જો તે સમજૂતી નહીં માને તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. અમેરિકા આ વિસ્તારમાં પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. અહેવાલો મુજબ, અમેરિકા 82 મી એરબોર્ન ડિવિઝનના 1000 વધારાના સૈનિકો અને અંદાજે 5000 મરીન દળોને તૈનાત કરવાની પ્રક્રિયામાં છે, જેથી ત્યાં પહેલાથી હાજર 50000 સૈનિકોને વધુ બળ મળી શકે.
વડાપ્રધાન મોદીની પણ ચિંતા
નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં દેશને સંબોધતા આ સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે જે રીતે કોરોના કાળમાં દેશે એક થઈને તૈયારી કરી હતી, તેવી જ રીતે આ વૈશ્વિક સંકટ માટે પણ ભારતે તૈયાર રહેવું પડશે.
ઇરાને હોર્મુઝ સામુદ્રધુની (Strait of Hormuz) બંધ કરી દીધી હોવાથી વિશ્વભરમાં ઉર્જા સંકટ ઘેરૂ બન્યું છે અને આ યુદ્ધનો કોઈ સ્પષ્ટ અંત હાલ દેખાઈ રહ્યો નથી.
