Microsoft 365 Mega Outage: ગત 12 નવેમ્બરથી માઈક્રોસોફ્ટની સેવાઓમાં મેગા આઉટેજ નોંધાયો હતો. આશરે 24 કલાકથી વધુ સમય બાદ સેવાઓ ફરી શરૂ થઈ છે. આ ઘટના અંગે ફાઇનલ સ્ટેટસ અપડેટમાં કંપનીએ જણાવ્યું કે, મૂળ કારણને ઠીક કરવાનું કામ પૂરું કરી લીધું છે અને સેવાઓ પુનઃસ્થાપિત કરી દીધી છે. આ અડચણની અસર વિશ્વના ઓછામાં ઓછા 74 દેશોના યુઝર્સ પર પડી હતી.
સેવાઓ પુનઃસ્થાપિત, 74 દેશો પર અસર
આ વિક્ષેપના કારણે કંપનીઓ, સરકારો, હોસ્પિટલો અને એરલાઈન્સને પોતાનું દૈનિક કામ ચલાવવા માટે ફોન લાઈનો, કાગળના રેકોર્ડ્સ અને કેટલીક ઓફિસોમાં ફેક્સ મશીનોનો સહારો લેવો પડ્યો હતો. જાન્યુઆરીમાં માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે તેની 365 સેવાઓના 450 મિલિયનથી વધુ પેઈડ કમર્શિયલ સબ્સ્ક્રિપ્શન્સ છે અને આ વ્યાપક પહોંચની અસર પ્રભાવિત ક્ષેત્રોમાં સ્પષ્ટ જોવા મળી હતી.
12 નવેમ્બરના રોજ શરૂ થઈ હતી સમસ્યા
આ સમસ્યા 12 નવેમ્બરના રોજ શરૂ થઈ હતી. અમેરિકાના યુઝર્સે ફરિયાદ કરી કે પોતાના એક્સચેન્જ ઓનલાઇન મેઈલ બોક્સ ખોલી શકતા નથી. માઈક્રોસોફ્ટે સૌથી પહેલા 5:54 PM GMT (11:24 PM IST) વાગ્યે સમસ્યાનો સત્તાવાર સ્વીકાર કર્યો હતો. બરાબર 13 મિનિટ પછી ચેતવણી આપી હતી કે કોઈપણ ક્ષેત્રના ઉપયોગકર્તા આનાથી પ્રભાવિત થઈ શકે છે.
અકસ્માત કે સાયબર હુમલો નહીં, કારણ શું?
કંપનીએ ઊંડો ખેદ વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું કે, આ ઘટના કોઈ સાયબર હુમલા કે AI ના કારણે થઈ નથી. માઈક્રોસોફ્ટે આઉટલુક આઉટેજ માટે અગાઉ કરવામાં આવેલા નેટવર્ક અપગ્રેડને જવાબદાર ઠેરવ્યું છે. માઈક્રોસોફ્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ઘટના નેટવર્ક ક્ષમતા વધારવાના કામ દરમિયાન આવેલી સમસ્યાને કારણે થઈ હતી. જોકે, બાદમાં સ્પષ્ટતા કરાઈ કે ટ્રાફિકમાં કોઈ અસાધારણ વધારો થયો ન હતો.
હેલ્થ ચેકમાં સર્વર ફેલ, સિસ્ટમ પર ઓવરલોડ
ઘણા સર્વર્સ ઓટોમેટેડ હેલ્થ ચેકમાં ફેલ થવાના કારણે અચાનક કામ કરતા બંધ થઈ ગયા હતા. આનાથી તેમનો વર્કલોડ ચાલુ સર્વરો પર આવી ગયો, જેનાથી સિસ્ટમ પર ઓવરલોડ અને દબાણ વધી ગયું હતું. એન્જિનિયરોએ સુરક્ષિત કનેક્શન સંભાળતી પ્રોસેસમાં રહેલી સમસ્યા શોધી કાઢી હતી. જોકે, શરૂઆતમાં માઇક્રોસોફ્ટે સ્વીકાર્યું કે તેમના પગલાંથી અપેક્ષિત રાહત મળી ન હતી.
રિકવરીમાં વિલંબ, ઈ-મેઈલ ટાઈમ આઉટ વિન્ડો
સર્વર પાછા લાવ્યા પછી તેમને ચાલુ રાખવા સૌથી મુશ્કેલ કામ હતું, કારણ કે ટ્રાફિક આવતા જ તેઓ ફરી બંધ થઈ જતા હતા. એન્જિનિયરોએ પ્રભાવિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના ટ્રાફિકનાપ્રકારો મર્યાદિત કર્યા, જૂના કન્ફિગરેશન લાગુ કર્યા, ઓથેન્ટિકેશન-રૂટિંગમાં પેચ લગાવ્યા અને વર્ચ્યુઅલ મશીન ઉમેર્યા હતા.
માઈક્રોસોફ્ટ બહારના મેઈલ સર્વર સંદેશા મોકલવાનો પ્રયાસ કરતા હોવાથી ઓનલાઈન થતા જ ક્યુમાં રહેલા ઈ-મેઈલ્સનો ઢગલો થઈ ગયો હતો. આઉટેજ દરમિયાન મોકલેલા સંદેશાઓ ખોવાઈ ન જાય તે માટે માઈક્રોસોફ્ટે ઈ-મેઈલ ટાઈમ આઉટ વિન્ડો વધારીને 48 કલાક કરી દીધી હતી. 13 નવેમ્બરના રોજ સૌથી પહેલા એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અને ત્યારબાદ યુરોપ તથા ઉત્તરી અમેરિકામાં સેવાઓ સ્થિર થઈ હતી.
વિશ્વભરમાં અસર: વિમાન-હોસ્પિટલ સેવા ખોરવાઈ
ભારતમાં આ આઉટેજની અસર ઈન્ડિગો (IndiGo) અને અકાસા એર (Akasa Air) ઈ-મેઈલ સપોર્ટ સર્વિસ પર પડી હતી, જ્યારે એર ઇન્ડિયાએ (Air India) ઈ-મેઇલ બીજા રસ્તે ડાયવર્ટ કરીનેફ્લાઈટ્સ ચાલુ રાખી હતી. ભારતની એક બ્રોકરેજ ફર્મમાં આઉટલુકનું બેકઅપ કામ કરી ગયું, પરંતુ ટીમ્સ પર ક્લાયન્ટ કોલ સંભાળવા મુશ્કેલ બન્યા હતા. UK માં NHS કર્મચારીઓને કાગળના રેકોર્ડ્સ વાપરવા પડ્યા, ફાર્મસીમાં ડિલિવરી મોડી પડી અને માન્ચેસ્ટરમાં જજે જ્યુરી સભ્યોને ઘરે મોકલી દીધા હતા.
કોલોરાડોમાં ઓનલાઈન પેમેન્ટ આઉટલુક નોટિફિકેશન પર નિર્ભર હોવાથી શેરિફઓફિસે લોકોને રૂબરૂ આવી બોન્ડ ભરવા કહ્યું હતું. જાપાનમાં કંપનીઓએ ફેક્સનો ઉપયોગ શરૂ કર્યો, OpenAI અને એન્થ્રોપિક (Anthropic) ના મશીન કનેક્ટર્સ ખોરવાયા અને ઇલેક્ટ્રિક ટ્રક ઉત્પાદક વર્કહોર્સ ગ્રુપે ત્રિમાસિક પરિણામો 16 નવેમ્બર સુધી મુલતવી રાખ્યા હતા.
યુઝર્સ માટે મહત્વની વિગતો,વિસ્તૃત રિપોર્ટની ખાતરી
ક્યૂમાં અટકેલા ઈ-મેઈલ પર તે ડિલિવરી થયાનો સમય દર્શાવાય છે, જેથી 13 નવેમ્બરની તારીખ ધરાવતો મેઈલ અસલમાં 12 નવેમ્બરની રાત્રે મોકલાયો હોઈ શકે છે. માઈક્રોસોફ્ટે વચન આપ્યું છે કે સમીક્ષા પૂર્ણ થયા બાદ તે આ ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ જાહેર કરશે.
