Bangkok Oil Depot Fire: થાઈલેન્ડની રાજધાની બેંગકોકના પૂર્વ ભાગમાં આવેલા એક વિશાળ ઓઇલ ડેપોમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતા ભીષણ આગ ફાટી નીકળી છે. દુર્ઘટના એટલી ગંભીર છે કે આગની ઊંચી જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાઈ રહી છે અને આખું આકાશ કાળા ધુમાડાના ગોટેગોટાથી ઢંકાઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસને તાત્કાલિક અસરથી આસપાસના રહેણાંક વિસ્તારો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ભયાવહ દ્રશ્યો
ઘટનાસ્થળની આસપાસ હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બેંગચાક ઓઇલ ડેપો (Bangchak Oil Depot) પરિસરમાંથી અચાનક કાન ફાડી નાખે તેવો પ્રચંડ ધડાકો સંભળાયો હતો. ધમાકાની તીવ્રતા એટલી વધુ હતી કે આસપાસની ઈમારતોમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી. વિસ્ફોટની ગણતરીની મિનિટોમાં જ ડેપોમાંથી આગની વિકરાળ જ્વાળાઓ આકાશ તરફ ઉઠવા લાગી હતી અને જોતજોતામાં ગાઢ કાળા ધુમાડાની ચાદરે સમગ્ર વિસ્તારને પોતાની લપેટમાં લઈ લીધો હતો.
પ્રશાસન દ્વારા હાઈ એલર્ટ અને વિસ્તાર ખાલી કરવા સૂચના
આ દુર્ઘટના બાદ બેંગના જિલ્લા કાર્યાલય (Bang Na District Office) દ્વારા સત્તાવાર ફેસબુક પેજ પર તાત્કાલિક ચેતવણી જાહેર કરવામાં આવી છે. પ્રશાસને પોતાના નિવેદનમાં પુષ્ટિ કરી છે કે બેંગચાક ઓઇલ ડેપોમાં વિસ્ફોટ થયો છે. તંત્રએ સ્થાનિક નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે- પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડેપોની આસપાસના વિસ્તારમાં રહેતા તમામ લોકો તાત્કાલિક ઘર છોડીને સુરક્ષિત સ્થળે ખસી જાય.
બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં
દુર્ઘટનાની જાણ થતા જ બેંગકોકના વિવિધ ફાયર સ્ટેશનો પરથી ફાયર ફાઈટરની ગાડીઓ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં ઈમરજન્સી વાહનોના સાયરન ગુંજી ઉઠ્યા છે અને ફાયર વિભાગના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણી અને ફોમનો મારો ચલાવી રહ્યા છે. પૂર્વ બેંગકોકમાં આવેલા આ મહત્વપૂર્ણ ઓઇલ ડેપોનું સંચાલન થાઈલેન્ડની અગ્રણી ઊર્જા કંપની 'બેંગચાક કોર્પોરેશન' (Bangchak Corporation) દ્વારા કરવામાં આવે છે.
જાનહાનિ અંગે સત્તાવાર વિગતોની રાહ
હાલના તબક્કે આ ભીષણ આગ અને વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. કટોકટીની પરિસ્થિતિ અને બચાવ કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે અગ્નિશમન દળ અને સ્થાનિક જિલ્લા અધિકારીઓનો સીધો સંપર્ક થઈ શક્યો નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, જે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ તપાસનો વિષય બનશે.
