'ભાષા આપત્તિજનક છે...': જેડી વેન્સની 'બંધુઆ મજૂર' ટિપ્પણી સામે ભારત આકરા પાણીએ; દાવાને પાયાવિહોણો ગણાવ્યો

ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકન ઉપરાષ્ટ્રપતિના દાવાને પાયાવિહોણા અને આપત્તિજનક ગણાવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 09 Oct 2026 02:18 PM (IST)Updated: Fri, 09 Oct 2026 02:18 PM (IST)
jd-vance-h1b-visa-bonded-labor-remark-india-mea-criticism-and-reply
JD Vance

JD Vance Controversial Comment: અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ દ્વારા H-1B વિઝા ધારકો અને વિદેશી કર્મચારીઓને 'બંધુઆ મજૂર' કહેવા પર ભારતે કડક વાંધો વ્યક્ત કરતા તેમની કડક શબ્દોમાં નિંદા કરી છે. વધુમાં, ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકન ઉપરાષ્ટ્રપતિના દાવાઓને પાયાવિહોણા અને આપત્તિજનક ગણાવ્યા છે.

જેડી વેન્સની આપત્તિજનક ટિપ્પણી અને આરોપ

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે અમેરિકન કંપનીઓમાં કામ કરતા વિદેશી કર્મચારીઓને 'બંધુઆ મજૂર' એટલે કે વેઠિયા મજૂર કહ્યા હતા. વધુમાં,  વેન્સે અમેરિકન ટેક જાયન્ટ કંપની માઇક્રોસોફ્ટને સૌથી વધુ વિદેશી બંધુઆ મજૂર રાખતી કંપની તરીકે પણ દર્શાવી હતી. આ નિવેદન સામે ભારતના વિદેશ મંત્રાલયે ઉગ્ર વાંધો ઉઠાવ્યો અને જેડી વેન્સની ટિપ્પણીની સખત આલોચના કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આકરો જવાબ

ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, H1Bવિઝાની માત્ર ભારતીયો માટે તકો જ ઊભી નથી થતી, પરંતુ તે અમેરિકન કંપનીઓને ઉત્કૃષ્ટ ટેલેન્ટ, ઈનોવેશન, રિસર્ચ, પ્રોડક્ટિવિટી, સ્પર્ધાત્મકતા અને નવી નોકરીઓ ઊભી કરવામાં પણ મદદ કરે છે, તેમજ અમેરિકામાં શેરહોલ્ડર્સની સંપત્તિમાં પણ વધારો કરે છે.

વિદેશ મંત્રાલયે ઉપરાષ્ટ્રપતિ વેન્સની ટિપ્પણીનો ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેમની વાતો તદ્દન પાયાવિહોણી છે. આ નિવેદનો એ સત્યને નજરઅંદાજ કરે છે કે અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સ ત્યાંની અર્થવ્યવસ્થા અને ઈનોવેશન ઈકોસિસ્ટમમાં ખૂબ જ ઉચ્ચ શિક્ષિત અને કુશળ યોગદાનકર્તા છે.

વિદેશ મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, વાસ્તવમાં અમેરિકાનો પોતાનો ઇતિહાસ કેટલીયપેઢીઓના પ્રવાસીઓથી બન્યો છે. જેમની મહેનત, સાહસ અને ઈનોવેશને અમેરિકાની પ્રગતિ અને સમૃદ્ધિમાં મોટું યોગદાન આપ્યું છે. આવી ભાષાનો ઉપયોગ કરવો, જે દુઃખદાયક ઐતિહાસિક અને સંસ્થાનવાદી વિરાસતની યાદ અપાવે છે, તે અત્યંત આપત્તિજનક અને અપમાનજનક છે.

PERM અને H-1B વિઝા સ્ટેટસ અંગે સ્પષ્ટતા

વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, PERM પ્રોગ્રામ H-1B વિઝા પ્રોગ્રામથી અલગ છે. વિદેશ મંત્રાલયે ભરોસો અપાવ્યો છે કે, આ પ્રોગ્રામ હેઠળ એપ્લિકેશન સસ્પેન્ડ થવાથી હાલના H1B વિઝાની વેલિડિટી અથવા H-1B વિઝા ધારકો અને તેમના આશ્રિતોના સ્ટેટસ પર કોઈ જ અસર પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, અમેરિકી વસ્તીગણતરીના આંકડા પર આધારિત તાજેતરના અંદાજ અનુસાર, અમેરિકામાં ભારતીય મૂળના 52 લાખથી લોકો વસવાટ કરે છે.