વિશ્વની સૌથી ઝડપી ટ્રેન દોડાવવા જાપાનની તૈયારી, 438 કિમીનો મેગ્લેવ રેલ કોરિડોર, પહાડોની નીચે 25 કિમી લાંબી સુરંગમાંથી 500ની ઝડપે પસાર થશે

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 30 Nov 2026 03:00 AM (IST)Updated: Mon, 30 Nov 2026 03:00 AM (IST)
japans-500-kmh-maglev-train-chuo-shinkansen-project-update

Japan Maglev Train: રેલવે ટેક્નોલોજીની દુનિયામાં જાપાન ફરી એકવાર એવો ચમત્કાર કરવા જઈ રહ્યું છે, જેની કલ્પના માત્રથી જ રોમાંચ અનુભવાય. જાપાન અત્યારે 'ચુઓ શિંકાનસેન' (Chuo Shinkansen) નામનો એક અત્યાધુનિક હાઈ-સ્પીડ રેલ કોરિડોર તૈયાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અહીં વિશ્વની સૌથી ઝડપી ટ્રેન દોડશે, જેની સ્પીડ 500 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ કોઈ સામાન્ય બુલેટ ટ્રેન નથી, પરંતુ અત્યાધુનિક સુપરકન્ડક્ટિંગ મેગ્લેવ (Maglev) ટ્રેન છે, જે આજની સૌથી ઝડપી બુલેટ ટ્રેનોને પણ ઘણી પાછળ છોડી દેશે.

પહાડોની નીચે બની રહી છે વિશ્વની સૌથી પડકારજનક સુરંગ

આ સમગ્ર રેલ કોરિડોરની કુલ લંબાઈ 438 કિલોમીટરની રહેશે, જેનો મોટો હિસ્સો જમીનની નીચે સુરંગોમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટનું સૌથી મોટું અને મુશ્કેલ એન્જિનિયરિંગ કાર્ય 'સધર્ન આલ્પ્સ ટનલ' (Southern Alps Tunnel) છે. દક્ષિણ જાપાની આલ્પ્સ પર્વતમાળાની નીચે બની રહેલી આ સુરંગ લગભગ 25 કિલોમીટર લાંબી હશે અને તેની મહત્તમ ઊંડાઈ જમીનની સપાટીથી આશરે 1400 મીટર નીચે રહેશે. વિશ્વની સૌથી ઊંડી અને લાંબી રેલ સુરંગોમાં સામેલ આ ટનલનું નિર્માણ સમગ્ર પ્રોજેક્ટની કરોડરજ્જુ સમાન છે.

બે તબક્કામાં પૂર્ણ થશે 438 કિલોમીટરનો રૂટ

જાપાન સરકાર અને રેલવે તંત્ર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ટોક્યોના શિનાગાવા સ્ટેશનથી નાગોયા સુધીનો લગભગ 286 કિલોમીટરનો રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ લાઈન શરૂ થતા જ ટોક્યોથી નાગોયા વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને માત્ર 40 મિનિટ રહી જશે. બીજા તબક્કામાં આ રૂટને નાગોયાથી આગળ શિન-ઓસાકા સુધી લંબાવવામાં આવશે, જેનાથી કોરિડોરની કુલ લંબાઈ 438 કિલોમીટર થશે. સંપૂર્ણ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ ટોક્યોથી ઓસાકા વચ્ચેની મુસાફરી માત્ર 67 મિનિટમાં પૂરી થઈ શકશે.

86 ટકા હિસ્સો ટનલમાં અને પર્યાવરણીય વિવાદોનો અંત

પ્રથમ તબક્કાના 286 કિલોમીટરના રૂટમાંથી 246.6 કિલોમીટર એટલે કે લગભગ 86 ટકા હિસ્સો સુરંગોમાં જ બનાવવામાં આવી રહ્યો છે. આ સુરંગનું કામ બે પ્રાંતોમાં પહેલેથી જ ચાલી રહ્યું હતું, પરંતુ શિઝુઓકા (Shizuoka) પ્રાંતમાંથી પસાર થતા લગભગ 8.9 કિલોમીટરના મહત્વના હિસ્સાનું કામ પર્યાવરણ અને ઓઈ (Oi) નદીના જળસ્તરને લઈને ઊભા થયેલા વિવાદોને કારણે વર્ષોથી અટવાયેલું હતું. જોકે, જુલાઈ 2026માં શિઝુઓકા પ્રાંત અને આ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહેલી કંપની 'JR Central' વચ્ચે પર્યાવરણ સંરક્ષણ અંગેના મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થતા આ અવરોધ દૂર થયો છે. હવે માર્ચ 2027થી આ અટકેલા ભાગમાં ખોદકામ ફરી શરૂ કરવામાં આવશે.

પાટાને અડ્યા વિના હવામાં તરતી દોડશે ટ્રેન

મેગ્લેવ ટ્રેનની કાર્યપદ્ધતિ સામાન્ય ટ્રેનો કરતા સાવ અલગ છે. પરંપરાગત ટ્રેનો લોખંડના પાટા પર પૈડાંની મદદથી દોડે છે, જ્યારે સુપરકન્ડક્ટિંગ મેગ્લેવ ટ્રેન શક્તિશાળી ચુંબકીય બળની મદદથી ગાઈડવેની સપાટીથી થોડી ઉપર હવામાં ઊંચકાઈને આગળ વધે છે. ટ્રેન અને ટ્રેક વચ્ચે કોઈ સીધો ભૌતિક સંપર્ક ન હોવાને કારણે ઘર્ષણ લગભગ શૂન્ય થઈ જાય છે. આ જ ટેક્નોલોજી ટ્રેનને 500 કિલોમીટર પ્રતિ કલાકની અવિશ્વસનીય ઝડપ આપે છે. નોંધનીય છે કે એપ્રિલ 2015માં જાપાનની મેગ્લેવ ટેસ્ટ ટ્રેને પરીક્ષણ દરમિયાન 603 કિલોમીટર પ્રતિ કલાકની ઐતિહાસિક ઝડપ હાંસલ કરીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો.

ક્યારે શરૂ થશે આ હાઈ-સ્પીડ મુસાફરી?

હાલમાં જાપાનની સામાન્ય શિંકાનસેન બુલેટ ટ્રેનો 300 થી 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, જેને ટોક્યોથી નાગોયા પહોંચતા આશરે દોઢ કલાકનો સમય લાગે છે. મેગ્લેવ ટ્રેન શરૂ થતા આ સમય અડધાથી પણ ઓછો થઈ જશે. મૂળ યોજના મુજબ ચુઓ શિંકાનસેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2027માં શરૂ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ પર્યાવરણીય મંજૂરીઓ અને જળ સંસાધન સંબંધિત ચિંતાઓને કારણે કામમાં વિલંબ થયો હતો. હવે નવા સમયપત્રક મુજબ, આ ઐતિહાસિક રેલ લાઈનનો પ્રથમ તબક્કો વર્ષ 2036 અથવા 2037 સુધીમાં મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી પૂરી શક્યતા છે.