Italy School New Rules & Restrictions: ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ દેશની શાળાઓ અને શિક્ષણ વ્યવસ્થાઓને લઈને એક મોટો અને ચર્ચાસ્પદ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકાર ટૂંક સમયમાં જ કેબિનેટ બેઠકમાં નવા નિયમો રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેનો મુખ્ય હેતુ સાંસ્કૃતિક એકીકરણ (Integration) અને શૈક્ષણિક માળખાને મજબૂત કરવાનો છે.
શાળાઓમાં ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ
સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા નિયમો અનુસાર, ઇટાલીની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચહેરો પૂરેપૂરો ઢાંકીને આવવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવશે. વડાપ્રધાન મેલોનીએ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક સંકુલોમાં પ્રત્યેક વિદ્યાર્થીએ પોતાનો ચહેરો ખુલ્લો રાખીને જ આવવું પડશે. તેમનું માનવું છે કે કોઈ પણ યુવતી પર પરંપરાના નામે ચહેરો છુપાવવા દબાણ ન થઈ શકે અને શાળાઓમાં સમાનતા તથા સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહેવું જરૂરી છે.
વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની મહત્તમ મર્યાદા
આ પ્રસ્તાવનું બીજું સૌથી મોટું પાસું વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સીમિત કરવાનું છે. આંકડાકીય માહિતી મુજબ ઇટાલીની શાળાઓમાં બિન-ઇટાલિયન નાગરિક વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 11.6 ટકા જેટલી છે. આ અંગે સરકારનું માનવું છે કે જો કોઈ ક્લાસમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે હોય અને તેમને ઇટાલિયન ભાષા ન આવડતી હોય, તો તેનાથી શિક્ષણનું સ્તર પ્રભાવિત થાય છે.
મેલોનીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે જો વર્ગમાં એકાદ બાળક ભાષા ન જાણતું હોય તો તે સહપાઠીઓની મદદથી શીખી જાય છે, પરંતુ જો મોટાભાગના બાળકો ભાષાથી અજાણ રહે તો તે એકીકરણ નહીં પરંતુ વ્યવસ્થાની ઉપેક્ષા સમાન બને છે. આ માટે સરકારે કાયદાકીય મર્યાદા નક્કી કરવાનો નિર્ણય કર્યો છે.
વાલીઓ માટે ઇટાલિયન ભાષા શીખવી અનિવાર્ય
નવા પ્રસ્તાવમાં એ પણ જોગવાઈ કરવામાં આવી છે કે જે વિદેશી વિદ્યાર્થીઓના વાલીઓને ઇટાલિયન શિક્ષણ પ્રણાલીમાં ભણવા કે સામાજિક રીતે તાલમેલ સાધવામાં ગંભીર મુશ્કેલીઓ નડતી હશે, તેવા વાલીઓએ ઇટાલિયન ભાષા શીખવી ફરજિયાત બનશે.
વડાપ્રધાન મેલોનીના આ કડક પગલાંને યુરોપમાં વધી રહેલા પ્રવાસન, ઇમિગ્રેશન અને સ્થાનિક સંસ્કૃતિની સુરક્ષાના મુદ્દા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. આ નીતિને લઈને હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
