ઈઝરાયેલની વિદેશ નીતિમાં નવા વિકલ્પની ચર્ચા, ભારત સાથેના સંબંધો પર PM નેતન્યાહૂનું ધ્યાન

વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, અમેરિકામાં સત્તા પરિવર્તન થઈ શકે છે અને કોઈ નવા પ્રમુખ સત્તા પર આવી શકે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 19 Oct 2026 04:15 PM (IST)Updated: Mon, 19 Oct 2026 04:15 PM (IST)
israeli-pm-netanyahu-statement-on-india-latin-america-alliance-and-us-relations

India-Israel Relations: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભવિષ્યમાં અમેરિકામાં વિરોધી પ્રશાસનનો સામનો કરવો પડી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમણે ભારત અને લેટિન અમેરિકન દેશો સાથે નવા આંતરરાષ્ટ્રીય ગઠબંધન રચવા પર વિશેષ ભાર મૂક્યો છે.

27 ઓક્ટોબરે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આશંકા વ્યક્ત કરી કે, ભવિષ્યમાં ઇઝરાયેલને અમેરિકામાં વિરોધી વહીવટી તંત્રનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સૈન્ય સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી પર વિપરીત અસર પડી શકે છે. ઈઝરાયેલે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ભારત અને લેટિન અમેરિકી દેશો સાથે નવા ગઠબંધન બનાવવા પડશે.

વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, આગામી બે વર્ષમાં અમેરિકામાં સત્તા પરિવર્તન થઈ શકે છે અને કોઈ એવા પ્રમુખ સત્તા પર આવી શકે છે જે ઈઝરાયેલ પ્રત્યે સખત કે વિરોધી વલણ ધરાવતા હોય. આવી સ્થિતિમાં ઇઝરાયેલ અમેરિકા સામે કેવી રીતે ટકશે અને કેવાં પગલાં ભરશે, તેના માટે અત્યારથી જ તૈયારી કરવી પડશે. આ નિવેદન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના ચૂંટણી પ્રચારને આપવામાં આવેલા મજબૂત સમર્થનના ગણતરીના કલાકો બાદ જ આવ્યું છે.

ઈઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું કે, દેશે ટ્રમ્પના વર્તમાન કાર્યકાળનો પૂરો ઉપયોગ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરવી જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇઝરાયેલે અમેરિકા સાથેના સંબંધોને સાચવવાની સાથે સાથે વિશ્વના અન્ય ભાગોમાં નવા વિકલ્પ શોધવા પડશે, જેથી અમેરિકાની કોઈપણ સંભવિત નીતિગત બદલાવની અસર દેશ પર ન પડે.

ભારત અને લેટિન અમેરિકા સાથે ગઠબંધન પર ભાર

વડાપ્રધાન નેતન્યાહૂએ જણાવ્યું કે, તેઓ મિડલ ઈસ્ટ અને તેની બહાર પણ અનેક દેશો સાથે ભાગીદારી વધારવા પર કામ કરી રહ્યા છે. તેમણે ખાસ કરીને ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત કોઈ નાનો દેશ નથી, અને આવા અનેક અન્ય દેશો પણ છે. આ સાથે જ તેમણે લેટિન અમેરિકાના બદલાતા રાજકીય દ્રશ્ય અને બ્રાઝિલનું ઉદાહરણ આપતા કહ્યું કે, ઇઝરાયેલે પોતાના સહયોગીઓનો વ્યાપ વધારવો પડશે અને પોતાની ક્ષમતાને એટલી મૂલ્યવાન બનાવવી પડશે કે દરેક દેશ તેમની સાથે જોડાવા ઈચ્છે.

ભારત સાથેના સંબંધનો અગાઉ પણ કર્યો હતો ઉલ્લેખ

આ પહેલીવાર નથી જ્યારે નેતન્યાહૂએ ઇઝરાયેલના વૈશ્વિક અળગાપણાની વાતને ફગાવવા માટે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના સંબંધોનો હવાલો આપ્યો હોય. આ અગાઉ મે મહિનામાં પણ તેમણે કહ્યું હતું કે, ઇઝરાયેલને ભારત જેવી મોટી મહાસત્તા સાથે અનોખા સંબંધો છે અને ત્યાંના લોકો ઇઝરાયેલ પ્રત્યે ઊંડો લગાવ ધરાવે છે.

ઇઝરાયેલી રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીમાં ઇઝરાયેલને લઈને વધેલા અસંતોષ કે નારાજગી પાછળ નેતન્યાહૂના કેટલાક રાજકીય નિર્ણય જવાબદાર રહ્યા છે. પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને જો બાઇડન સાથે તેમના સંબંધો વારંવાર તણાવપૂર્ણ રહ્યા હતા.

જોકે, નેતન્યાહૂ પોતાના દેશના સમર્થકો વચ્ચે આને એક મજબૂત નેતાની છબી તરીકે રજૂ કરતા આવ્યા છે, જે દેશના હિત માટે અમેરિકી પ્રમુખો સામે પણ અડીખમ ઊભા રહી શકે છે. આ વલણ તેમના ચૂંટણી પ્રચારનો એક મોટો આધાર રહ્યું છે.