Donald Trump: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ' (Flydubai)ની ફ્લાઇટ FZ1073 પરના હાઈજેકિંગ અને ક્રેશ કરવાના નિષ્ફળ પ્રયાસ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિમાનના ઓમાની સહ-પાયલટ (Co-pilot) દ્વારા કરવામાં આવેલા આ આતંકવાદી હુમલા પાછળ ઈરાન વ્યક્તિગત રીતે જવાબદાર છે.
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ નિષ્ફળ હુમલા માટે ઈરાન જવાબદાર છે, ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું, "હા, મને એવું લાગે છે. અત્યાર સુધી મળેલા અહેવાલો અને મારી માહિતી મુજબ હું વ્યક્તિગત રીતે ઈરાનને જવાબદાર માનું છું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો આ હુમલામાં ઈરાનની સંડોવણી સાબિત થશે તો તેને સખત જવાબ આપવામાં આવશે.
હવામાં હાઈજેકિંગ અને વિમાન ક્રેશ કરવાનું કાવતરું
આ ચકચારજનક ઘટના 30 સપ્ટેમ્બરના રોજ બની હતી. દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં ઓમાની નાગરિક એવા સહ-પાયલટ હમ્મામ અલ-હમ્મામીએ હવામાં જ વિમાનને હાઈજેક કરી ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફ્લાઇટ દરમિયાન સહ-પાયલટે કોકપિટની અંદર વિમાનના મુખ્ય ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ધારદાર શસ્ત્ર વડે જીવલેણ હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ, હુમલાખોરનો ઈરાદો કેપ્ટન મચ્છરને અક્ષમ કરીને વિમાનનો સંપૂર્ણ કબજો લેવાનો હતો. તે ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર લેન્ડિંગની મંજૂરી મેળવી વિમાનને કોઈ ઇમારત અથવા અન્ય સ્ટેન્ડિંગ એરક્રાફ્ટ સાથે અથડાવી મોટો વિસ્ફોટ કરવા માંગતો હતો.
ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની અદમ્ય બહાદુરી
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં અને આંખો સામે અંધારા આવવા છતાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે અદમ્ય સાહસ અને સમયસૂચકતા દર્શાવી હતી. તેમણે ગમે તેમ કરીને અંદરથી કોકપિટનો દરવાજો અનલોક કરી દીધો હતો.
દરવાજો ખુલતાની સાથે જ વિમાનમાં સવાર મુસાફરો અને ફ્લાઇટ ક્રૂના સભ્યો કોકપિટમાં દોડી આવ્યા હતા અને હુમલાખોર સહ-પાયલટને કાબૂમાં લઈ લીધો હતો. આ ઝપાઝપી દરમિયાન વિમાન માત્ર બે મિનિટમાં 16,000 ફીટ નીચે ગબડી ગયું હતું. ત્યાર બાદ, વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેનાથી વિમાનમાં સવાર તમામ 180 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
નેતન્યાહુએ કેપ્ટન સ્મિતને 'હીરો' ગણાવ્યા
હાલમાં આ હુમલાખોર સહ-પાયલટ સાઉદી અરેબિયા અને UAE પોલીસની કસ્ટડીમાં છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરીને તેમની બહાદુરીના મુક્તકંઠે વખાણ કર્યા હતા. નેતન્યાહુએ તેમને ભારત, ઇઝરાયેલ અને સમગ્ર વિશ્વ માટે એક 'હીરો' ગણાવ્યા હતા. આ સાથે ઇઝરાયેલ સરકારે કેપ્ટન સ્મિત અને તેમના પરિવારને મે 2027 માં યોજાનારા ઇઝરાયેલના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં 'માનદ અતિથિ' (Honorary Guest) તરીકે હાજર રહેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે.
