Israeli attack on Lebanon: મધ્ય-પૂર્વમાં 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ બાદ અમેરિકા દ્વારા યુદ્ધવિરામની (Ceasefire) જાહેરાત કરવામાં આવી હોવા છતાં ઇઝરાયેલે લેબનાન પર હુમલો ચાલુ રાખ્યો છે. ઇઝરાયેલે લેબનાન પર માત્ર 10 મિનિટમાં એક પછી એક 100 જેટલી મિસાઇલો ફેંકી ભારે તબાહી મચાવી છે, જેમાં સેંકડો લોકોના મોત થયા છે.
લેબનાન યુદ્ધવિરામ કરારની બહાર
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહ માટે સંઘર્ષ-વિરામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ લેબનાન આ કરારનો ભાગ નથી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે હિઝબુલ્લાહની સક્રિયતાને કારણે લેબનાનને આ અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં સામેલ કરવામાં આવ્યું નથી.
પાકિસ્તાની સરકારે લેબનાન આ કરારમાં સામેલ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે તેના પર ભાર મૂકતા કહ્યું કે, વોશિંગ્ટન કે ઇઝરાયેલ બંનેમાંથી કોઈએ આ માટે સંમતિ આપી ન હતી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી સ્પષ્ટતા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ લેબનાનમાં ચાલી રહેલા ઇઝરાયેલના સૈન્ય અભિયાનને સમર્થન આપતા જણાવ્યું હતું કે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલા તાજેતરના સીઝફાયર કરારમાં હિઝબુલ્લાહને બાકાત રાખવામાં આવ્યા છે. મીડિયા દ્વારા વારંવાર પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે, આ એક અલગ પ્રકારની અથડામણ છે અને તેને પણ ઉકેલી લેવામાં આવશે.
ઇઝરાયેલના PM નેતન્યાહૂનું નિવેદન
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલ રાષ્ટ્રપતિ ટ્રમ્પના એ નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરે છે જેમાં ઈરાન સામેના હુમલા બે સપ્તાહ માટે રોકવામાં આવ્યા છે. જોકે, નેતન્યાહૂએ આ માટે કેટલીક શરતો મૂકી છે. તેમણે કહ્યું કે ઈરાને તાત્કાલિક ધોરણે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવી પડશે અને અમેરિકા, ઈઝરાયેલ તથા પ્રદેશના અન્ય દેશો પર થતા તમામ હુમલા રોકવા પડશે.
વડાપ્રધાન નેતન્યાહૂએ પણ પોતાના નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે આ બે સપ્તાહના સંઘર્ષ-વિરામમાં લેબનાનનો સમાવેશ થતો નથી. ઇઝરાયેલનું સ્પષ્ટ માનવું છે કે લેબનાનમાં હિઝબુલ્લાહ અત્યંત સક્રિય છે, તેથી તેને સીઝફાયરનો હિસ્સો બનાવી શકાય નહીં.
