Israeli Strike On Lebanon: હિજબુલ્લાને ટાર્ગેટ કરીને ઈઝરાયેલે લેબેનોનમાં સતત ભીષણ હવાઈ હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન લેબેનોનની એક ઈમારત પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ હુમલામાં 23 સિરીયન નાગરિકના મોત થયા છે. ઈઝરાયેલ તરફથી કરવામાં આવેલા આ હુમલામાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેબેનોનના સરકારી મીડિયાએ આ અંગે જાણકારી આપી હતી. આ સાથે ઈઝરાયેલે લેબેનોનમાં તાજેતરમાં જે ઘાતક હવાઈ હુમલા કર્યા છે તેમાં અથ્યાર સુધીમાં 630 કરતાં વધારે લોકોના મોત થયા છે, તેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો.
બિલ્ડિંગના કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
નેશનલ ન્યૂઝ એજન્સીએ યુનિન ગામના મેયર અલી કસાસને ટાંકીને જણાવ્યું હતું કે ઈમારતના કાટમાળમાંથી 23 સીરિયનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હુમલામાં ચાર સીરિયન અને 4 લેબનીઝ લોકો ઘાયલ થયા છે. લેબનીઝ રેડ ક્રોસે કહ્યું કે તેણે 9 મૃતદેહોને રિકવર કર્યા છે, જ્યારે અન્ય મૃતદેહો હિઝબોલ્લાહની પેરામેડિક સર્વિસ અને લેબનીઝ સિવિલ ડિફેન્સ દ્વારા મળી આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિમાં મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ગંભીર બની રહી છે. આ દરમિયાન અમેરિકા, ફ્રાંસ અને તેના સહયોગી દેશોએ એક મહત્વની પહેલ કરી છે. તેમણે તાત્કાલિક સંઘર્ષ વિરામનું આહવાન કર્યું છે. ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ અંગેના એક નિવેદનમાં કહ્યું છે કે લડાઈ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને આ વિસ્તારમાં શાંતિ સ્થાપિત થાય તે ખૂબ જ જરૂરી છે.
