Middle East Conflict: 'અમેરિકા ફરી હુમલો કરશે તો ..' ઈરાને આપી કડક ચેતવણી; જાણો ભારત પર શું અસર થશે?

હિંદ મહાસાગર સુધી યુદ્ધ પહોંચવાથી ભારત સહિતની એશિયન અર્થવ્યવસ્થા, શિપિંગ અને પ્રાદેશિક વેપાર પર ગંભીર અસર પડી શકે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 24 Sep 2026 03:50 PM (IST)Updated: Thu, 24 Sep 2026 03:50 PM (IST)
iran-warning-war-extend-to-indian-oceans-if-usa-attacks-rahim-safavi-amid-middle-east-conflict
AI Generated Image

Middle East Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટમાં નવ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હાલ તણાવ ચરમસીમા પર છે. ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે, જો ફરી હુમલો થશે તો મિડલ ઈસ્ટનું યુદ્ધ હિંદ મહાસાગર સુધી લંબાઈ શકે છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના વરિષ્ઠ સલાહકાર યાહ્યા રહીમ સફાવીએ આ અંગેનો એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. સાથે જ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ઉશ્કેરણી થવા પર પોતાની સૈન્ય વ્યૂહરચના અને લક્ષ્યો બદલવાની ચીમકી આપી છે.

ઈરાનની ચેતવણી: યુદ્ધ હિંદ મહાસાગર સુધી લંબાશે

ઈરાને અમેરિકાને સખત શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે, જો અમેરિકા ફરીથી કોઈ સૈન્ય હુમલો કરશે, તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હિંદ મહાસાગર સુધી ફેલાઈ શકે છે. મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ થયે લગભગ નવ મહિનાનો સમય થવા આવ્યો છે, પરંતુ હજુ સુધી આ સંઘર્ષ થમવાનું નામ લઈ રહ્યો નથી. ઈરાની અધિકારીઓએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા તરફથી થનારી કોઈ પણ નવી સૈન્ય કાર્યવાહી સામે સમગ્ર ક્ષેત્રમાં અમેરિકી હિતો અને સંપત્તિ વિરુદ્ધ વળતી લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે.

ફાર્સ ન્યૂઝ એજન્સીનો વીડિયો: રહીમ સફાવીનું નિવેદન

ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર યાહ્યા રહીમ સફાવીનો એક વીડિયો જારી કર્યો છે. આ વીડિયોમાં રહીમએ જણાવ્યું કે, સંઘર્ષ પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી) અને હોર્મુઝ જલડમરૂમધ્યથી લઈને લાલ સાગર સુધી ફેલાઈ ચૂક્યો છે. જો વધુ યુદ્ધ થશે તો આ મોરચો આગળ વધીને હિંદ મહાસાગર અને કદાચ તેનાથી પણ આગળ સુધી પહોંચી શકે છે. હાલ મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે અને હોર્મોઝથી લઈને લાલ સાગર સુધી જહાજોની અવરજવર પર બ્રેક વાગી ગઈ છે.

હિંદ મહાસાગરનું મહત્વ અને યુદ્ધનો ફેલાવો

હિંદ મહાસાગર વિશ્વના પાંચ મહાસાગરીય ક્ષેત્રોમાંથી ત્રીજો સૌથી મોટો મહાસાગર છે, જે પૃથ્વીની જળ સપાટીન લગભગ 20% હિસ્સો એટલે કે આશરે 70.5 મિલિયન ચોરસ કિલોમીટર (27.2 મિલિયન ચોરસ માઈલ) વિસ્તાર આવરી લે છે. તેના ઉત્તરમાં એશિયા ખંડ છે, જેમાં ભારત, ઈરાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો સમાવિષ્ટ છે. આ મહાસાગર ગલ્ફ ક્ષેત્રને ભારત સહિતની મુખ્ય એશિયન અર્થવ્યવસ્થાઓ સાથે જોડે છે અને તેમાં વિશ્વના કેટલાક સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપારી માર્ગો આવેલા છે.

ભારત પર શું પડી શકે છે અસર?

ભારત હિંદ મહાસાગરના ઉત્તરીય છેડે સ્થિત છે અને ગલ્ફ ક્ષેત્ર, આફ્રિકા તેમજ દક્ષિણ-પૂર્વ એશિયા સાથે મોટા સમુદ્રી વેપારી સંબંધ ધરાવે છે. જો આ યુદ્ધ હિંદ મહાસાગર સુધી લંબાય છે, તો તેનાથી શિપિંગ, વીમો, ઊર્જા પુરવઠો (એનર્જી સપ્લાય) અને પ્રાદેશિક વેપાર માટે જોખમ ઘણું વધી શકે છે. અમેરિકા-ઈરાન યુદ્ધની અસર અગાઉથી જ ભારત પર પડી રહી છે, જ્યાં ક્રૂડ ઓઈલ, એલપીજી (LPG) અને શિપિંગ ખર્ચ વધવાને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે.