Hormuz Strait Shipping Blockade: વૈશ્વિક ઓઇલ વ્યાપાર માટે સૌથી મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો ગતિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને શનિવારે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ હવે તેહરાનના 'સંપૂર્ણ નિયંત્રણ' હેઠળ છે. ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો ઈરાની બંદરો પર લાદવામાં આવેલી આર્થિક અને નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવવામાં નહીં આવે, તો આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી જહાજોની અવરજવર કાયમી ધોરણે પ્રતિબંધિત કરી દેવામાં આવશે.
વિશ્વાસ ભંગ અને કડક નિયંત્રણની જાહેરાત કરાઇ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને આજે 50 દિવસ પૂર્ણ થયા છે, પરંતુ કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નથી. ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આક્રમક વલણ અપનાવતા લખ્યું કે, "જો યુએસ નાકાબંધી ચાલુ રહેશે, તો હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે નહીં. આ જળમાર્ગમાંથી પસાર થતા જહાજોની અવરજવર હવેથી માત્ર ઈરાનની પરવાનગી પર આધારિત રહેશે. અમારું નિયંત્રણ પ્રાદેશિક પરિસ્થિતિ પર નિર્ભર છે, કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નહીં."
ભારતીય ટેન્કર પર ગોળીબાર કરાયો
શનિવારે આ વિવાદે ત્યારે હિંસક વળાંક લીધો જ્યારે સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ ઈરાની ગનબોટ્સે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજો પર ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આ પૈકીનું એક જહાજ ભારતીય ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર હોવાનું કહેવાય છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રહેલા અન્ય વ્યાપારી જહાજોએ તાત્કાલિક પોતાના રૂટ બદલી નાખ્યા હતા અથવા પાછા વળી ગયા હતા.
આ આશ્ચર્યજનક ઘટના ત્યારે બની છે જ્યારે શુક્રવારે જ ઈરાને જાહેરાત કરી હતી કે તે જહાજો માટે સ્ટ્રેટ ખોલી રહ્યું છે, જેના કારણે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે સ્ટ્રેટ 'વ્યવસાય માટે ખુલ્લું' છે. પરંતુ ઈરાની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ આ દાવાઓને નકારી કાઢી ફરીથી નાકાબંધીની જાહેરાત કરી છે.
પાકિસ્તાનની મધ્યસ્થી અને અમેરિકાના નવા પ્રસ્તાવો
આ ગંભીર કટોકટી વચ્ચે પાકિસ્તાન બંને દેશો વચ્ચે મુખ્ય મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. પાકિસ્તાનના આર્મી ચીફ હાલમાં તેહરાનમાં છે અને મધ્યસ્થી કરી રહ્યા છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે પુષ્ટિ કરી છે કે તેઓ અમેરિકા તરફથી મળેલા 'નવા પ્રસ્તાવો'ની સમીક્ષા કરી રહ્યા છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રીય હિતો સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કે ઉદારતા બતાવશે નહીં.
