Smit Machhar to Receive Israel Presidential Award: ગત 30 સપ્ટેમ્બર 2026 ના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં થયેલા આતંકી હુમલાને ભારતીય પાઈલટ સ્મિટ મચ્છરે નિષ્ફળ બનાવ્યો હતો. સાથે જ 174 મુસાફરોનો જીવ બચાવી બહાદુરી દર્શાવવા બદલ સ્મિટ મચ્છરને ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગે સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવાની જાહેરાત કરી છે.
પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવાની સત્તાવાર જાહેરાત
આ પણ વાંચો
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કો-પાઈલટે કરેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિટ મચ્છરે બહાદુરી અને સૂઝબૂઝ બતાવી પ્લેનને એક મોટી હોનારતમાંથી ઉગારી લીધું હતું. આ સાહસ બદલ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગે તેમને 'પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઈઝમ' આપવાની સત્તાવાર જાહેરાત કરી છે.
30 સપ્ટેમ્બરની ઘટના, ફ્લાઈટમાં હાઈજેકનો પ્રયાસ
30 સપ્ટેમ્બર 2026 ના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai ફ્લાઈટ FZ1073 એક અત્યંત ગંભીર સંકટમાં ફસાઈ ગઈ હતી. આ ફ્લાઈટ દરમિયાન ઓમાનના કો-પાયલોટ હમામ અલ-હમ્મામીએ (Hamam Al-Hammami) કથિત રીતે કોકપીટમાં રાખવામાં આવેલી ક્રેશ એક્સ વડે ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિટ મચ્છર પર જીવલેણ હુમલો કર્યો અને પ્લેન પર કબ્જો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ઈજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન સ્મિતે બહાદુરી દાખવી
આ ગંભીર સ્થિતિ દરમિયાન પ્લેન માત્ર 30 સેકન્ડથી થોડા વધુ સમયમાં આશરે 16,000 ફીટ જેટલું નીચે આવી ગયું હતું. કોકપીટમાં થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં કેપ્ટન સ્મિટ મચ્છરે અસાધારણ હિંમત દાખવી હતી. તેઓ કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા, જે બાદ પ્લેનમાં મુસાફરી કરી રહેલા 6 ઈઝરાયેલી યાત્રીઓ અંદર આવી શક્યા અને ઉન્મત્ત કો-પાઈલટને કાબૂમાં લેવામાં મદદ કરી શક્યા.
ત્યારબાદ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા બે ઓફ-ડ્યુટી પાઈલટોએ વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું. વિમાનનો માર્ગ બદલીને સૌદી અરેબિયાના તબૂક (Tabuk) તરફ વાળવામાં આવ્યો, જ્યાં પ્લેનનું સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગે કરી ભારે પ્રશંસા
ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે 8 ઓક્ટોબર 2026 ના રોજ સ્મિટ મચ્છારને સન્માનિત કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્મિટ મચ્છરની બહાદુરી અને સૂઝબૂઝથી એક મોટો અકસ્માત ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાષ્ટ્રપતિ હર્ઝોગે કેપ્ટન મચ્છર ઝડપથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે તેમની તબિયત સારી થઈ જશે, ત્યારે તેઓ વ્યક્તિગત રીતે તેમને ઈઝરાયેલનો ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઇઝમ’ (Presidential Award for Civilian Heroism) એનાયત કરશે.
અન્ય 6 ઇઝરાયેલી નાગરિકોનું પણ સન્માન
8 ઓક્ટોબર 2026 ના રોજ રાષ્ટ્રપતિ હર્ઝોગે ફ્લાઈટમાં બહાદુરી દર્શાવનાર 6 ઈઝરાયેલી નાગરિકોને પણ સન્માનિત કર્યા હતા. આ નાગરિકોએ કટોકટી વખતે કો-પાઇલટને કાબૂમાં કરવામાં મદદ કરી હતી. સન્માનિત થનાર 6 ઈઝરાયેલી નાગરિકોના નામ:
- ઝ્વિકા માનેસ (Zvika Manes)
- તાલી માનેસ (Tali Manes)
- યાનીવ હાયુન (Yaniv Hayun)
- ડૉ. શોતા મુસાયેવ (Dr. Shota Musayev)
- અસાફ રાજુઆન (Asaf Razuan)
- ઓર પારદિલોવ (Or Pardilov)
પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઈઝમ
આ વિશિષ્ટ પુરસ્કારની શરૂઆત 7 ઓક્ટોબર 2023 ના રોજ ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ કરવામાં આવી હતી. આ એવોર્ડ એવા નાગરિકોને આપવામાં આવે છે, જેઓ અત્યંત જોખમી અને વિષમ પરિસ્થિતિમાં બીજાના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
