Saudi Arabia Advisory: મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવ અને હવાઈ ક્ષેત્રમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે સાઉદી અરેબિયા સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને નવી એડવાઈઝરી જારી કરી છે. સાઉદી અરેબિયાના વિવિધ શહેરો માટે ભારતીય એરલાઇન્સની સેવાઓ 17 ઓક્ટોબર 2026 સુધી સસ્પેન્ડ કરવામાં આવતા વિમાન વ્યવહારને મોટી અસર પહોંચી છે, જેને પગલે દૂતાવાસે તમામ ભારતીયોને સતર્ક રહેવા જણાવાયું છે.
ભારતીય દૂતાવાસની મુખ્ય સલાહ અને માર્ગદર્શિકા
રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા અને સત્તાવાર માધ્યમો દ્વારા ભારતીય નાગરિકોને નીચે મુજબના કડક સૂચનો આપ્યા છે.
શાંતિ અને સતર્કતા: તમામ નાગરિકોને કોઈપણ જાતના ગભરાટ વગર શાંત રહેવા અને સ્થાનિક પરિસ્થિતિ પ્રત્યે સંપૂર્ણ જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.
ઘરમાં જ રહેવાની સલાહ: હવાઈ હુમલા કે આકસ્મિક કટોકટીની સ્થિતિમાં લોકોને સુરક્ષિત રીતે ઘર કે આશ્રયસ્થાનોની અંદર જ રહેવા જણાવવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાવવી: દૂતાવાસે ખાસ તાકીદ કરી છે કે વર્તમાન ઘટેલી ઘટનાઓ, સૈન્ય ગતિવિધિઓ કે હુમલાઓ સંબંધિત કોઈ પણ વિડિયો, ફોટો કે સમાચાર સોશિયલ મીડિયા પર શેર, રીપોસ્ટ કે ફેલાવવાથી બચવું.
સત્તાવાર માહિતી પર નિર્ભરતા: માત્ર સાઉદી સરકારના સ્થાનિક સત્તાવાળાઓ અને ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાતી સત્તાવાર માહિતી અને સૂચનાઓનું જ પાલન કરવું.
17 ઓક્ટોબર સુધી ફ્લાઈટ્સ રદ: વિમાન સેવાઓ ખોરવાઈ
દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતીય એરલાઈન્સ દ્વારા સઉદી અરેબિયાના મુખ્ય શહેરો માટેની ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે:
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ: રિયાધ, દમામ અને જેદ્દાહ માટેની તમામ ઉડાનો 17 ઓક્ટોબર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
ઇન્ડિગો (IndiGo): રિયાધ, દમામ, જેદ્દાહ અને મદીના માટેની પોતાની તમામ સેવાઓ 17 ઓક્ટોબર સુધી રદ કરી છે.
અકાસા એર (Akasa Air): રિયાધ અને જેદ્દાહ માટેની પોતાની વિમાન સેવાઓ હાલ પૂરતી રોકી દીધી છે.
સાઉદી અરેબિયાની જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિએશન (GACA) દ્વારા રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ કામગીરી અને ફ્લાઈટ્સ હંગામી ધોરણે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ, દમામ, જેદ્દાહ અને મદીના સહિતના અન્ય મુખ્ય એરપોર્ટ પર એરપોર્ટ કામગીરી ચાલુ છે, પરંતુ ફ્લાઈટ્સ રદ થવા કે વિલંબિત થવાના કારણે હજારો મુસાફરો અટવાયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. દૂતાવાસે એરપોર્ટ પર જતાં પહેલાં સંબંધિત એરલાઈન્સ સાથે ફ્લાઈટનું સ્ટેટસ ચકાસી લેવા મુસાફરોને સલાહ આપી છે.

