રિયાધ એરપોર્ટ પર સતત બીજા દિવસે હુમલો, 11 ભારતીય ઘાયલ, સારવાર દરમિયાન એક નાગરિકનું મોત

સાઉદી અરેબિયાના રિયાધ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી હુમલો થયો છે. આ હુમલામાં 11 ભારતીય નાગરિકો સહિત 300 લોકો ઘાયલ થયા છે અને એક ભારતીયનું દુઃખદ અવસાન થયું છે. જાણો સંપૂર્ણ વિગત અને એડવાઈઝરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 11 Oct 2026 10:24 PM (IST)Updated: Sun, 11 Oct 2026 10:24 PM (IST)
riyadh-airport-attack-1-indian-dead-11-injured-in-missile-strike

Indians Injured Riyadh Airport: મિડલ ઈસ્ટમાં તણાવ સતત વધી રહ્યો છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલેદ ઈન્ટરનેશનલ એરપોર્ટના પેસેન્જર ટર્મિનલને નિશાન બનાવીને સતત બીજા દિવસે પ્રોજેક્ટોઈલ (મિસાઈલ/ડ્રોન) હુમલો કરવામાં આવ્યો છે. સાઉદી નેતૃત્વ હેઠળના ગઠબંધને રવિવારે આ હુમલાની પુષ્ટિ કરી છે. આ ભયાનક હુમલાઓમાં 11 ભારતીયો સહિત 300થી વધુ લોકો ઘાયલ થયા છે. દરમિયાન, ભારતીય દૂતાવાસે એક ભારતીય નાગરિકના અવસાનની દુઃખદ પુષ્ટિ કરી છે. ભારતે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.

ટર્મિનલ 3 અને 4 નજીક ધમાકો: સતત બીજા દિવસે ટાર્ગેટ

પ્રાપ્ત અહેવાલો અનુસાર, તાજેતરનો હુમલો રિયાધ એરપોર્ટના એ જ સંકુલ પર થયો છે જ્યાં સ્થાનિક (ડોમેસ્ટિક) ફ્લાઈટ્સ માટેના ટર્મિનલ 3 અને 4 આવેલા છે. શનિવારે થયેલા પ્રથમ હુમલા બાદ રવિવારે ફરીથી એરપોર્ટને નિશાન બનાવવામાં આવતા મુસાફરોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ગઠબંધન સેનાએ હુમલાની પુષ્ટિ કરી છે, જોકે બીજા દિવસના હુમલામાં થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

11 ભારતીય ઘાયલ, એક નાગરિકનું અવસાન

સૌથી દુઃખદ સમાચાર ભારતીય નાગરિકોને લઈને સામે આવ્યા છે. રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે હુમલામાં ઘાયલ થયેલા 11 ભારતીયોમાંથી એક નાગરિકનું આજે સારવાર દરમિયાન અવસાન થયું છે.

ભારતીય દૂતાવાસે મૃતક સ્વજન પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને પરિવાર સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું છે. દૂતાવાસના અધિકારીઓ સ્થાનિક હોસ્પિટલ અને સાઉદી સત્તાવાળાઓ સાથે મળીને મૃતદેહને વહેલામાં વહેલી તકે ભારત લાવવા માટે જરૂરી કાયદાકીય અને પ્રોટોકોલ પ્રક્રિયાઓ પૂરી કરી રહ્યા છે.

અમેરિકાનું લશ્કરી વલણ અને હૂથી બળવાખોરોનો જવાબ

મધ્ય પૂર્વમાં આ હુમલાઓ અમેરિકાના વધતા લશ્કરી હસ્તક્ષેપ બાદ વેગ પકડી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંકેત આપ્યા છે કે તેઓ યમનના હૂથી બળવાખોરો સામેની લશ્કરી કાર્યવાહીમાં જોડાવા વિચારણા કરી રહ્યા છે.

બીજી તરફ, યમનના હૂથી બળવાખોરોએ આરોપ લગાવ્યો છે કે સાઉદી અરેબિયાએ તેમની રાજધાની તેના (Sana'a) સ્થિત એરપોર્ટ પર મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ સક્રિય: ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રિયાધમાં ભારતીય દૂતાવાસ અને જેદ્દાહમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે:

નાગરિકો માટે એડવાઈઝરી: સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને ઘરની અંદર જ રહેવા સલાહ આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાવવા અપીલ: દૂતાવાસે ભારતીયોને કડક સૂચના આપી છે કે આ હુમલા સંબંધિત કોઈ પણ અનધિકૃત વીડિયો કે અસહજ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કે ફોરવર્ડ કરવાથી બચવું.

24x7 હેલ્પલાઈન: ભારતીય નાગરિકોની મદદ માટે 24 કલાક કાર્યરત ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 8002471234 શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસની સામાન્ય આઉટસોર્સ સેવાઓ પૂર્વવત ચાલી રહી છે.