US India Relations: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ભારે ટેરિફ લગાવવાના કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવ જોવા મળી રહ્યો છે. આના પરિણામે બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને રાજદ્વારી સંબંધો સતત બગડી રહ્યા છે. ત્યારે પૂર્વ અમેરિકી રાજદ્વારીઓએ ટ્રમ્પને ભારત સાથે પંગો ન લેવા સાવધાન કર્યા છે.
અમેરિકા ગુમાવશે એક સારો ભાગીદાર મિત્ર
જો બાઈડન વહીવટીતંત્રના પૂર્વ ટોચના અધિકારીઓ જેક સુલિવન અને કર્ટ કેમ્પબેલ માને છે કે આ ભાગીદારી એટલી મહત્વપૂર્ણ છે કે તેને કોઈપણ ભોગે બચાવવી પડશે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જો ભારત-અમેરિકાના સંબંધો નબળા પડશે તો અમેરિકા માત્ર એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક મિત્ર જ નહિ ગુમાવે નહીં, પરંતુ ચીનને ટેકનોલોજીકલ અને વ્યૂહાત્મક ક્ષેત્રે લાભ આપવાનું જોખમ પણ વધી જશે. આ સ્થિતિ અમેરિકાના હિતમાં નથી તેમ તેમનું માનવું છે.
ભારત ચીન અને રશિયા જેવા દેશોની નજીક જશે
સુલિવન અને કેમ્પબેલે 'ફોરેન અફેર્સ' (Foreign Affairs) માં લખેલા એક સંયુક્ત લેખમાં ભારતને અમેરિકાનો "સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદાર" ગણાવ્યો છે. તેમણે ટ્રમ્પને ચેતવણી આપી છે કે તેમની 'નાટકીય હરકતો' ભારતને ચીન અને રશિયા જેવા દેશોની વધુ નજીક ધકેલી શકે છે. આ સંદર્ભમાં તેમણે તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો.