India Slams Pakistan in UN: સંયુક્ત રાષ્ટ્રમાં (UN) ભારતે આતંકવાદ, ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતીઓના અધિકારો જેવા મુદ્દાઓ પર પાકિસ્તાનના બેવડા વલણને ખુલ્લું પાડીને આકરા પ્રહારો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારત સ્થાપિત મિશનના પ્રથમ સચિવ ભાવિકા મંગલાનંદને ધર્મ અને માન્યતાની સ્વતંત્રતા વિષયક સ્પેશિયલ રેપોર્ટિયર સાથેની ચર્ચા દરમિયાન 1999 ના કારગિલ યુદ્ધના અકાટ્ય તથ્યો રજૂ કર્યા હતા.
તેમણે યાદ અપાવ્યું હતું કે, 1999 ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને પોતાના જ માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહો સ્વીકારવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. મંગલાનંદને આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું કે, જે દેશ પોતાના સૈનિકોના શવ લેવા તૈયાર નહોતો, તે આજે દફનાવવાની પ્રથા અને ધાર્મિક સ્વતંત્રતા પર ઉપદેશ આપી રહ્યો છે. જ્યારે ભારતીય સેનાએ જ અનેક પાકિસ્તાની સૈનિકોને પૂરા લશ્કરી સન્માન અને ઈસ્લામિક રીત-રિવાજો મુજબ દફનાવ્યા હતા.
આ પણ વાંચો
ભારતે સ્પષ્ટ કર્યું કે, પાકિસ્તાનને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. ભાવિકા મંગલાનંદને જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતમાં રસ લેવાને બદલે પોતાના ગેરકાયદેસર કબ્જા હેઠળના રાવલકોટ જેવા વિસ્તારો અને પોતાના દેશમાં ઘટી રહેલી લઘુમતી વસતીની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ.
ભાવિકા મંગલાનંદને જણાવ્યું કે, જે દેશ પોતાના જ લઘુમતીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો હોય તે ભારતને સલાહ આપી શકે નહીં. આ સિવાય, ભારતે કોવિડ મહામારી દરમિયાન ભેદભાવની ઘટનાઓ માત્ર ગ્લોબલ સાઉથમાં જ થઈ હોવાના સ્પેશિયલ રેપોર્ટિયરના અહેવાલ પર સવાલ ઉઠાવીને વિકસિત દેશોની ઉપેક્ષા કરવા બદલ રિપોર્ટની નિષ્પક્ષતા સામે પણ પ્રશ્નો ઊભા કર્યા હતા.
બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રમાં ભારત મિશનના અન્ય પ્રથમ સચિવ રઘુ પુરીએ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનના જુઠાણાને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું. તેમણે મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઇબ્રાહિમનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દાઉદ વર્ષ 2003 માં યુએન લિસ્ટિંગમાં સામેલ થયો તે અગાઉ જ ભારતમાંથી ભાગી ગયો હતો અને અલ-કાયદા તથા ઓસામા બિન લાદેન સાથે સંબંધોના કારણે તેને યાદીમાં મૂકવામાં આવ્યો હતો.
ભારત મિશનના અન્ય પ્રથમ સચિવ રઘુ પુરીએ પાકિસ્તાન તરફ સ્પષ્ટ ઈશારો કરતાં ઉમેર્યું હતું કે, દાઉદ આજે પણ ભારતમાં વોન્ટેડ ગુનેગાર છે અને સંયુક્ત રાષ્ટ્રની યાદી મુજબ તે એ જ દેશમાં છુપાયેલો છે જ્યાં ઓસામા બિન લાદેન મળી આવ્યો હતો અને માર્યો ગયો હતો.
