કેનેડા ભારત મોકલશે 300 બિઝનેસ લીડર્સનું ડેલિગેશન: 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનું લક્ષ્ય

કેનેડિયન સરકારના આંકડા અનુસાર, વર્ષ 2025માં બંને દેશો વચ્ચે માલ અને સેવાઓનો કુલ વેપાર 30.4 અબજ કેનેડિયન ડોલર રહ્યો હતો. કેનેડા ભારત સાથેના વેપાર સંબંધો મજબૂત કરીને અમેરિકા સિવાયના વિશ્વના અન્ય મોટા બજારોમાં પણ પોતાની નિકાસને વિસ્તારવા માંગે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 11 Oct 2026 08:14 AM (IST)Updated: Sun, 11 Oct 2026 08:14 AM (IST)
india-canada-trade-mission-maninder-sidhu-cepa-2026
ભારત કેનેડા વેપાર મિશન

India Canada Trade Mission: ભારત અને કેનેડા વચ્ચેના આર્થિક અને વ્યાપારી સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે કેનેડા સરકારે એક મોટું કદમ ઉઠાવ્યું છે. આગામી સપ્તાહે કેનેડાથી આશરે 300 પ્રતિનિધિઓનું વિશાળ વેપારી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવી રહ્યું છે. છેલ્લા 30 વર્ષોમાં ભારત માટે કેનેડાનું આ સૌથી મોટું વેપાર મિશન માનવામાં આવી રહ્યું છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને મજબૂત કરવાનો અને વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણાથી વધુ કરવાનો છે.

મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે પ્રતિનિધિમંડળ

કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુના નેતૃત્વ હેઠળ આ પ્રતિનિધિમંડળ 12 થી 17 ઓક્ટોબર દરમિયાન ભારતના આર્થિક કેન્દ્ર મુંબઈ અને ટેકનોલોજી હબ બેંગલુરુની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ઔદ્યોગિક સહયોગ વધારવા માટે નવી તકોની શોધ કરવામાં આવશે.

મનિન્દર સિદ્ધુએ જણાવ્યું હતું કે, એરોસ્પેસ, કૃષિ-ખાદ્ય ઉત્પાદનો (Agri-food products) અને ગ્રીન/ક્લીન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં કેનેડા પાસે વિશિષ્ટ નિપુણતા છે. આ નિપુણતાને ભારતની ઝડપથી વધતી માંગ સાથે જોડીને બંને દેશો પોતાના વેપાર ક્ષેત્રનો વિસ્તાર કરી શકશે અને નવા મોટા રોકાણો આકર્ષી શકશે.

વર્ષ 2030 સુધીમાં 70 અબજ કેનેડિયન ડોલરના વેપારનું લક્ષ્ય

આ મહત્વપૂર્ણ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને કેનેડા આ વર્ષના અંત સુધીમાં 'કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' (CEPA) કરાર પૂર્ણ કરવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરમાં જ 5 થી 9 ઓક્ટોબર દરમિયાન ઓટાવામાં આ કરાર અંગેની વાતચીતનો પાંચમો રાઉન્ડ પૂર્ણ થયો હતો. માર્ચ મહિનામાં કેનેડાના વડાપ્રધાનની ભારત મુલાકાત વખતે આ વેપાર કરારને વેગ આપવા બંને દેશો સંમત થયા હતા. આ કરાર હેઠળ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 70 અબજ કેનેડિયન ડોલર સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

કેનેડિયન સરકારના આંકડા અનુસાર, વર્ષ 2025માં બંને દેશો વચ્ચે માલ અને સેવાઓનો કુલ વેપાર 30.4 અબજ કેનેડિયન ડોલર રહ્યો હતો. કેનેડા ભારત સાથેના વેપાર સંબંધો મજબૂત કરીને અમેરિકા સિવાયના વિશ્વના અન્ય મોટા બજારોમાં પણ પોતાની નિકાસને વિસ્તારવા માંગે છે.