Hormuz Missile Attacks: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની જ્વાળાઓ સમુદ્રના ઊંડાણ સુધી પહોંચી ચૂકી છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સતત થઈ રહેલા હુમલાના કારણે આ સંઘર્ષ વધુ ભયાનક બની રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હૉર્મુજ વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા અલગ-અલગ મિસાઈલ હુમલામાં 2 મોટા વ્યાપારી જહાજો સમુદ્રમાં ડૂબી ગયા છે. આ બનાવ બાદ આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્ર અને વૈશ્વિક વેપાર જગતમાં હડકંપનો માહોલ સર્જાયો છે.
સિંગાપુરનું કન્ટેનર જહાજ 'GFS પ્રાઈડ' ડૂબ્યું
મેરીટાઈમ સિક્યોરિટી સોર્સિસના જણાવ્યા અનુસાર, સિંગાપુરના ધ્વજવાળું કન્ટેનર જહાજ 'GFS Pride'હોર્મુઝમાં પસાર થઈ રહ્યું હતું, તે સમયે જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી અને તે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈને સમુદ્રમાં ડૂબી ગયું હતું. જોકે, રાહતની વાત એ રહી જહાજ પર સવાર તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આ ચોક્કસ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સિંગાપુર મેરીટાઈમ ઓથોરિટી (MPA) દ્વારા વ્યાપારી જહાજો પર થઈ રહેલા આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા તેમને અચાનક, ગેરવાજબી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યા છે.
બીજું જહાજ 'Cape Dao' પણ ડૂબ્યું, એક મોત
આ સિવાય અન્ય એક ઘટનામાં, એન્ટિગુઆ અને બાર્બુડાના ધ્વજવાળું ડ્રાય બલ્ક કેરિયર 'Cape Dao' પણ હોર્મુઝ પાસે સમુદ્રમાં ડૂબી ગયું છે. ગત 23 સપ્ટેમ્બરના રોજ આ જહાજ પર પ્રોજેક્ટાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના અઠવાડિયા બાદ તે સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું. ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO) અનુસાર, આ હુમલામાં એક ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યું હતું.
જહાજ પર સવાર બાકીના સભ્યોને ઘટના બન્યા બાદ તુરંત જ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. IMO ના જણાવ્યા મુજબ, જ્યારથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી ડૂબનારા વ્યાપારી જહાજોની યાદીમાં આ બંને જહાજો અનુક્રમે બીજા અને ત્રીજા કમર્શિયલ જહાજો છે.
