H-1B Visa Fee Hike: અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS) અને ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વીઝા અને OPT (Optional Practical Training) નીતિઓમાં પ્રસ્તાવિત કડક ફેરફારોને કારણે યુએસમાં કામ કરતા અને ભણવા જતા વિદેશી નાગરિકો, ખાસ કરીને ભારતીયો માટે એક મોટો આંચકો ઊભો થયો છે.
ફ્રેગોમેન ઇમિગ્રેશન સર્વિસ ફર્મના વિશ્લેષણ અને ફેડરલ રજિસ્ટરની વિગતો અનુસાર, યુએસ પ્રશાસન H-1B વીઝા અરજી ફી અને યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈને વર્કપ્લેસમાં પ્રવેશતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના OPT આવેદન પરની ફી વધારીને $1,00,000 (આશરે 83 થી 86 લાખ રૂપિયા) થી વધુ કરવાનો મોટો આંચકો આપવાની યોજના બનાવી રહ્યું છે. આ જંગી નાણાકીય બોજને કારણે અમેરિકન કંપનીઓ માટે વિદેશી ટેલેન્ટને સ્પોન્સર કરવાનું અત્યંત મોંઘું બનશે, જેનાથી ભારતીય આઈટી પ્રોફેસનલ્સ અને નવયુવાનોની રોજગારીની તકો પર સીધી પ્રતિકૂળ અસર પડી શકે છે.
આ પણ વાંચો
60 દિવસનો ગ્રેસ પીરિયડ નાબૂદ થવાનું જોખમ
ફી વધારા ઉપરાંત સૌથી ચિંતાજનક પ્રસ્તાવ 60 દિવસના ગ્રેસ પીરિયડને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. વર્તમાન નિયમ મુજબ જો કોઈ H-1B વર્કર પોતાની નોકરી ગુમાવે, તો તેને નવી નોકરી શોધવા અથવા વીઝા ટ્રાન્સફર કરાવવા માટે 60 દિવસનો સમય મળે છે, પરંતુ નવો પ્રસ્તાવ લાગુ થતાં નોકરી છૂટતાની સાથે જ કર્મચારી અને તેના આશ્રિતોએ તાત્કાલિક અમેરિકા છોડવું પડશે અથવા તેઓ અવિનિયમિત પ્રવાસી ગણાશે.
લાખો ભારતીયો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સંકટ
આ નીતિગત ફેરફારોથી સૌથી મોટો ફટકો ભારતીયોને જ પડશે, કારણ કે 2024માં USCIS દ્વારા મંજૂર કરાયેલી આશરે 4 લાખ H-1B અરજીઓમાંથી 71% હિસ્સેદારી ભારતીય મૂળના લોકોની હતી. ઓગસ્ટ મહિનામાં આ પ્રસ્તાવો વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB)ની સમીક્ષા પ્રક્રિયા માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, આ પ્રસ્તાવોની અંતિમ અધિકૃત માર્ગદર્શિકા જાહેર થયા બાદ જ તેની આખરી સ્થિતિ સ્પષ્ટ થશે, પરંતુ હાલના તબક્કે આ દરખાસ્તોએ અમેરિકામાં વસતા 52 લાખથી વધુ ભારતીયો અને તેમના પરિવારોમાં ભારે ચિંતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જ્યું છે.
