Earthquake: વિશ્વના ત્રણ દેશોમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના આંચકા આવતા ફફડાટ ફેલાયો છે. સૌથી પહેલા પેરુમાં 6.8ની તિવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જ્યાં પેરુની રાજધાનીમાં ઝટકા અનુભવાતા લોકો ઘરની બહાર નિકળી આવ્યા હતા. ત્યાર બાદ ચીનમાં 5.7 ની ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ ભારતીય સમયઅનુસાર સાંજે સવા ચાર વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી નીચે 80 કિમી હતું. ત્યાર બાદ આજે વહેલી સવારે પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો.
પાકિસ્તાનમાં અનુભવાયા ભૂકંપના આંચકા
ચીન બાદ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ધરતીકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાની બોર્ડર પાસે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તિવ્રતા 4 ની હોવાની વાત સામે આવી છે. સવારના સવા નવ વાગ્યાની આસપાસ ઝટકા અનુભવાયા હતા. આ અંગે નેશનલ સેન્ટર ફોર સીસ્મલોજીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં ચારની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સવાર સવારમાં જ્યાં લોકો પોત પોતાના કામે લાગ્યા હતા ત્યારે આવેલા ભૂકંપે લોકોમાં ફફડાટ ફેલાવી દીધો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપની કેન્દ્રના બિંદુ અંગે વાત કરીએ તો કાબુલથી 202 કિમી દક્ષિણપૂર્વ અને ઈસ્લામાબાદથી 322 કિમી પશ્ચિમ- દક્ષિણપશ્ચિમમાં આવેલું હતું. જો કે ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.
પેરુમાં આવ્યો હતો શક્તિશાળી ભૂકંપ
આ પહેલા શુક્રવારે 20 નવેમ્બરના રોજ પુરુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા 6.7 ની હતી. જેના ઝટકા લીમા શહેર સહિત ઈક્વાડોર સુધી અનુભવાયા હતા. મધ્ય પેરુ સ્થાનિક સમય અનુસાર આ ભૂકંપ સાંજે સાત વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જુનિન શહેરથી 30 કિમી ઉત્તર પશ્ચિમમાં જોવા મળ્યું હતું અને તે ઉંડાઈમાં 127 કિમી હતી.
સંસદ ભવન છોડી ભાગ્યા સાંસદો
આ ભૂકંપની તિવ્રતા એટલી બધી હતી કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સાંસદો પણ સંસદ ભવનથી બહાર નિકળી ભાગવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અચાનક આવેલા ભૂકંપને કારણે સંસદ ભવન ખાતે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનીના સમાચાર આવ્યા નથી.
