US India Relation: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અંગે એક નવું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નવારોએ દાવો કર્યો છે કે રશિયા પાસેથી તેલની ખરીદીનો લાભ ભારતના માત્ર એક નાના ઉચ્ચ વર્ગ (બ્રાહ્મણો) દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO સમિટ માટે ચીન પહોંચ્યા હતા અને ત્યાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તથા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.
ભારતના બ્રાહ્મણો દેશના લોકોના ભોગે નફાખોરી કરી રહ્યા છે...
ફોક્સ ન્યૂઝ સાથેના એક ઇન્ટરવ્યુમાં નવારોએએ જણાવ્યું હતું કે ભારતીય રિફાઇનર્સ રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ તેલ ખરીદી રહ્યા છે. તેને પ્રોસેસ કર્યા પછી તેઓ તેને મોંઘા ભાવે નિકાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ખાસ કરીને ભારતના બ્રાહ્મણો પોતાના દેશના લોકોના ભોગે નફાખોરી કરી રહ્યા છે. નવારોએ વધુમાં ઉમેર્યું કે રશિયા આ પૈસાનો ઉપયોગ યુક્રેન યુદ્ધમાં કરી રહ્યું છે અને તેથી તેને રોકવું આવશ્યક છે. તેમણે ફરીથી કહ્યું કે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાનો ટ્રમ્પનો નિર્ણય સાચો છે.
છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકાના સંબંધો સારા નથી ચાલી રહ્યા. રશિયા પાસેથી ભારતના તેલ ખરીદવાના કારણે અમેરિકા નારાજ છે. અમેરિકાએ ભારત પર ભારે ટેરિફ લગાવ્યા છે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈ પણ દબાણમાં પોતાની નીતિ બદલશે નહીં અને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખશે. આના કારણે અમેરિકા વધુ ભડકી રહ્યું છે.