Donald Trump warning to Iran: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) જળમાર્ગના ભવિષ્યને લઈને અમેરિકાને બ્લેકમેલ ન કરવાની કડક ચેતવણી આપી છે. આ ચેતવણી ત્યારે સામે આવી જ્યારે તેહરાને આ અત્યંત મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી બંધ કરવાની જાહેરાત કરી દીધી.
ઈરાનને ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી
ઓવલ ઓફિસમાંથી વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા ઈરાન સાથે વાતચીત કરી રહ્યું છે, તેમણે ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાની ધમકી આપી છે. પરંતુ તેઓ વર્ષોથી કરે છે તેમ અમેરિકાને બ્લેકમેલ કરી શકશે નહીં. ટ્રમ્પે ઈરાન સાથેના સંભવિત કરાર વિશે આશાવાદી વલણ દર્શાવતા કહ્યું કે, "ઈરાન થોડી ચાલાકી બતાવી રહ્યું છે, જેવું તેઓ છેલ્લા 47 વર્ષોથી કરી રહ્યા છે."
ઈરાન દ્વારા નવા પ્રસ્તાવોની સમીક્ષા
આ તણાવ વચ્ચે, ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે એક નિવેદન બહાર પાડતા પુષ્ટિ કરી છે કે, તેઓ પાકિસ્તાની સેનાના કમાન્ડરની મધ્યસ્થીથી અમેરિકા દ્વારા આપવામાં આવેલા નવા પ્રસ્તાવોની સમીક્ષા કરી રહ્યા છે. જોકે, ઈરાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેમનું વાટાઘાટ કરનાર પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કે નરમાઈ દાખવશે નહીં, અને ઈરાની રાષ્ટ્રના હિતોનું પૂરી તાકાતથી રક્ષણ કરશે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ફરીથી નિયંત્રણ
ઈરાનની સૈન્ય કમાને અમેરિકા પર પોતાનું વચન તોડવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનનું કહેવું છે કે વોશિંગ્ટને ઈરાની બંદરો પર આવતા-જતા જહાજો પર નૌકા નાકાબંધી ચાલુ રાખી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું નિયંત્રણ તેની અગાઉની સ્થિતિમાં આવી ગયું છે. હવે તે સશસ્ત્ર દળોના કડક સંચાલન હેઠળ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા ઈરાન આવતા તમામ જહાજો માટે મુક્ત અવરજવર બહાલ નહીં કરે, ત્યાં સુધી આ જળમાર્ગ પર કડક નિયંત્રણ રહેશે.
પરમાણુ કરાર સુધી નાકાબંધી ચાલુ રહેશે
અમેરિકાએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે શુક્રવારે જળડમરુમધ્યને ફરીથી ખોલવાના ઈરાનના નિર્ણય છતાં, અમેરિકી નાકાબંધી ત્યાં સુધી સંપૂર્ણ રીતે ચાલુ રહેશે જ્યાં સુધી તેહરાન વોશિંગ્ટન સાથે તેના પરમાણુ કાર્યક્રમ સહિતનો કોઈ વ્યાપક કરાર નહીં કરી લે. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર બંને દેશો વચ્ચેની ખેંચતાણ હજુ પણ યથાવત છે.
