Hormuz Internet Cable Threat: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અખાતી પ્રદેશ (Gulf region) અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) હેઠળ પથરાયેલા અંડર-સી ઈન્ટરનેટ કમ્યુનિકેશન કેબલ્સ પર હુમલો કરવાની વિગતવાર યોજના બનાવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. જો યુનાઈટેડ સ્ટેટ્સ કે ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કોઈ લશ્કરી હુમલો કરવામાં આવશે, તો ઈરાન વળતા પ્રહાર તરીકે દરિયાઈ કેબલ નેટવર્કને નિશાન બનાવી શકે છે.
7 મુખ્ય ઈન્ટરનેટ કેબલ્સ નિશાન ઈરાનના પર
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના વરિષ્ઠ અધિકારીઓ અને સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, જો ઈરાનની પાયાની સુવિધાઓ પર હુમલો થશે તો હોર્મુઝ સ્ટ્રેટ હેઠળથી પસાર થતા 7 મુખ્ય આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ કેબલ્સને લક્ષ્ય બનાવવામાં આવી શકે છે. ઈરાની સુરક્ષા અધિકારીઓએ ચેતવણી આપી છે કે હુમલા બાદ કેબલ રિપેરિંગની કામગીરીને પણ રોકવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી ડિજિટલ નેટવર્ક અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં લાંબા સમય સુધી ખોરવાટ ચાલુ રહે.
વૈશ્વિક ડિજિટલ નેટવર્ક-બેન્ડવિડ્થ પર અસર
ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) અનુસાર, વિશ્વનો આશરે 95% થી 99% ઈન્ટરનેટ ટ્રાફિક સમુદ્રના તળિયે પથરાયેલા ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા વહે છે. જોકે, ટેલિકોમ રિસર્ચ ફર્મ TeleGeography ના અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી આંતરરાષ્ટ્રીય બેન્ડવિડ્થનો 1% થી ઓછો ટ્રાફિક પસાર થાય છે. પરંતુ અખાતી દેશો અને અરબી સમુદ્રમાં આવેલા આ સમગ્ર નેટવર્ક (જેમ કે SEA-ME-WE 5 & 6, AAE-1, FALCON, EIG, 2AFRICA) પર અસર પડવાથી એશિયા, મધ્યપૂર્વ અને યુરોપ વચ્ચેના ડેટા ટ્રાન્સફરમાં મોટો વિલંબ (latency) સર્જાઈ શકે છે.
ભારત માટે શા માટે ચિંતાજનક પરિસ્થિતિ?
ઈન્ટરનેટ બેન્ડવિડ્થ: ભારતનો 70% થી વધુ આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ બેન્ડવિડ્થ ડેટા ગલ્ફ અને અરબી સમુદ્રના કેબલ રૂટ પર આધારિત છે.
IT અને BPO ક્ષેત્ર: ભારતનું $250 billion થી વધુનું IT નિકાસ ક્ષેત્ર યુરોપ અને અમેરિકા સાથેના રિયલ-ટાઈમ લો-લેટન્સી કનેક્શન પર નિર્ભર છે.
બેંકિંગ અને રેમિટન્સ: પર્સિયન ગલ્ફ દેશોમાંથી ભારતને વાર્ષિક $30 billion થી વધુનું રેમિટન્સ મળે છે. કનેક્ટિવિટી ખોરવાતા SWIFT વ્યવહાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડદેવડમાં વિલંબ થઈ શકે છે.
UPI અને ડિજિટલ અર્થતંત્ર: ભારતમાં દર મહિને 13 billion થી વધુ UPI ટ્રાન્ઝેક્શન થાય છે, જેની પાછળનું ઈન્ટરનેશનલ ક્લાઉડ નેટવર્ક અને સેટલમેન્ટ સિસ્ટમ પણ કેબલ કનેક્ટિવિટી પર નિર્ભર છે.
ઊર્જા અને ડિજિટલ ક્ષેત્રે 'ડબલ શોક'
હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી વિશ્વના આશરે 20% ક્રૂડ ઓઈલ અને 25% LNG નો પુરવઠો પસાર થાય છે. જો આ વિસ્તારમાં સૈન્ય સંઘર્ષ થાય અને ઈન્ટરનેટ કેબલ્સ કાપવામાં આવે, તો વૈશ્વિક અર્થતંત્રને એકસાથે ઓઈલ સંકટ અને ડિજિટલ સંકટનો સામને કરવો પડી શકે છે. ડેટા સેન્ટર, ક્લાઉડ કમ્પ્યુટિંગ (AWS, Google, Microsoft) અને સ્ટોક માર્કેટ ટ્રેડિંગ પર પણ તેની ગંભીર અસર પડી શકે છે.
