US India Relations: જો ભારત સાથે સંબંધો તૂટશે તો અમેરિકા માટે સમસ્યા વધશે… ડોનાલ્ડ ટ્રમ્પના સાંસદનું મોટું નિવેદન

અમેરિકન સાંસદે ભારતની પ્રશંસા કરતા કહ્યું કે ભારતનો મધ્યમ વર્ગ આજે વિશ્વ બજાર પર પ્રભાવ પાડી રહ્યો છે. ભારત અનેક ક્ષેત્રોમાં પ્રતિભાઓથી સમૃદ્ધ છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 18 Jan 2026 11:20 AM (IST)Updated: Sun, 18 Jan 2026 11:20 AM (IST)
donald-trump-congressman-republican-party-statement-on-india-us-relations

US India Relations: અમેરિકા અને ભારતના સંબંધો પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા અને કોંગ્રેસના સાંસદ રિચ મેકકોર્મિકે બંને દેશોના સંબંધો અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે ભારત સાથેના સંબંધો બગડવા અમેરિકા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સાથે તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને બંને દેશો વચ્ચેના તફાવતને પણ સ્પષ્ટ કર્યો હતો.

ભારત એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે
અમેરિકન સાંસદ રિચ મેકકોર્મિકે કહ્યું કે ભારત સતત વિકાસ કરી રહ્યું છે અને પોતાને વિશ્વની એક મોટી શક્તિ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. તેમણે ભારતની પ્રશંસા કરતા કહ્યું કે ભારતનો મધ્યમ વર્ગ આજે વિશ્વ બજાર પર પ્રભાવ પાડી રહ્યો છે. ભારત અનેક ક્ષેત્રોમાં પ્રતિભાઓથી સમૃદ્ધ છે અને ત્યાંથી માત્ર ઉત્પાદનો જ નહીં, પરંતુ પ્રતિભાઓ પણ નિકાસ થાય છે.

પાકિસ્તાન અમેરિકામાં રોકાણ કરતું નથી
ભારત અને પાકિસ્તાનની તુલના કરતા સાંસદ મેકકોર્મિકે કહ્યું કે અમેરિકા માટે ભારત રોકાણનો મોટો સ્ત્રોત છે. બીજી તરફ પાકિસ્તાન ન તો અમેરિકામાં કોઈ રોકાણ લાવે છે અને ન તો અમેરિકા ક્યારેય પાકિસ્તાનમાં મોટું રોકાણ કરે છે. 'સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ' (CSIS) ના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે તમે પાકિસ્તાનને ક્યારેય અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ લાવતા જોશો નહીં, જ્યારે ભારત અમેરિકામાં રોકાણ લાવે પણ છે અને મેળવે પણ છે.

ભારતથી અંતર રાખવું અમેરિકાને ભારે પડી શકે છે
મેકકોર્મિકે ભારપૂર્વક કહ્યું કે ભારતની પ્રતિભાઓથી જ અમેરિકાની ઘણી કંપનીઓ ચાલે છે અને ભારતીય ઉત્પાદનોથી અમેરિકાના બજારો વિકસિત થાય છે. તેમણે ચેતવણી ઉચ્ચારી કે જો અમેરિકા ભારત જેવા દેશને પોતાનાથી દૂર ધકેલી દેશે, તો અમેરિકાને મોટી મુસીબત અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો અમેરિકા ભારતીયોની મિત્રતાનો સ્વીકાર કરશે તો દેશમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સાંસદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વ્યાપાર અને ટેરિફ (શુલ્ક) ને લઈને ભારત અને અમેરિકા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ મુદ્દે ડેમોક્રેટિક સાંસદ અમી બેરાએ પણ કહ્યું હતું કે ભલે બંને દેશો વચ્ચે મતભેદો ચાલી રહ્યા હોય, પરંતુ બંને દેશો લાંબા ગાળાની વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. મતભેદો હોવા છતાં સહયોગનો વ્યૂહાત્મક તર્ક સર્વોપરી છે.