Chicago Hindu Temple Shooting Plot: અમેરિકાના ઈલિનોય રાજ્યમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને કરવામાં આવનાર સામૂહિક ગોળીબારનું ભયાનક કાવતરું નિષ્ફળ ગયું છે. શિકાગોથી આશરે 70 કિલોમીટર દૂર આવેલા ઔરોરા (Aurora) સ્થિત હિન્દુ મંદિરમાં 19 વર્ષીય હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, એન ટાણે જ તેની રાઈફલ જામ થઈ જવાના કારણે આ ખૌફનાક ષડયંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. પોલીસે તાત્કાલિક હુમલાખોરની અટકાયત કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ખુદને શ્વેત વર્ચસ્વવાદી અને નવ-નાઝી ગણાવનાર આ 19 વર્ષીય આરોપીનું નામ એલેક્ઝેન્ડ્રોસ પાપોરકિસ છે.
આ પણ વાંચો
આરોપીના એક સહકર્મી પાસેથી મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીના ઘરની તપાસ કરતા ત્યાંથી એક ઓટોમેટિક રાઈફલ, જીવતા કારતૂસ અને બોડી આર્મર કબજે કર્યા હતા.
તપાસ દરમિયાન હુમલાખોર પાસેથી 8 પેજનો એક મેનિફેસ્ટો પણ મળી આવ્યો છે, જેમાં ભારતીયો, હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયો પ્રત્યેનો તેનો તીવ્ર દ્વેષ અને નફરત સ્પષ્ટપણે છતી થતી હતી.
પોલીસે આરોપીને અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાં તેના પર આતંકવાદી ધમકીઓ આપવા અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના ગંભીર આરોપો ઘડવામાં આવ્યા છે. કોર્ટે તમામ વિગતોને ધ્યાનમાં રાખીને આરોપી એલેક્ઝેન્ડ્રોસ પાપોરકિસને 30 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.
