CJP US Funding Claim: અમેરિકન સિંગર મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટી (CJP) પર આકરા આરોપ લગાવતા કહ્યું છે કે, આ પક્ષને યુનાઈટેડ સ્ટેટ્સ (US) ના દાતાઓ દ્વારા નાણાકીય ફંડિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. હવે શાંત રહેવાનો સમય નથી અને ભારતના તમામ યુવા દેશભક્તોને એકજૂથ થઈને આ સંગઠનની વિઘટનકારી માનસિકતા સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો જોઈએ.
નવી દિલ્હીમાં CJP પ્રદર્શન વચ્ચે આવ્યું નિવેદન
મેરી મિલબેનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે નવી દિલ્હીમાં વિરોધ પક્ષો અને કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સમર્થકો દ્વારા મોટું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) માં થયેલી કથિત ગેરરીતિનો વિરોધ કરી રહ્યા છે, અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદી અને દેશ વિરુદ્ધ ફંડિંગનો આક્ષેપ
41 વર્ષીય ગાયિકા મેરી મિલબેને વધુમાં દાવો કર્યો હતો કે, CJP નેતા અભિજીત દીપકે અને તેમની પાર્ટીને અમેરિકાના એવા દાતાઓ તરફથી નાણાકીય મદદ મળી રહી છે. જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વ હેઠળ ભારતના ભવિષ્યના વિરોધી છે.
મેરી મિલબેને એક પોસ્ટ કરતા વધુમાં લખ્યું કે, આ પસંદગીના દાતાઓ વૈશ્વિક સ્તરે એક ચોક્કસ પદ્ધતિ અનુસરે છે. રૂઢિચુસ્ત વૈશ્વિક નેતાને નિશાન બનાવવા, તે દેશમાંથી અમેરિકામાં શિક્ષણ મેળવેલી વ્યક્તિને શોધવી, તેમને કટ્ટરપંથી બનાવવા, તેમને પાછા તે દેશમાં મોકલવા અને અરાજકતા તથા વિનાશ ફેલાવવા માટે તેમને ભંડોળ પૂરું પાડવું.
