Flydubai Pilot Attack Incident: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai ફ્લાઈટમાં કોકપીટ પર આતંકી કબજો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છારે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સમક્ષ આ ઘટનાની એક-એક વિગતનો ઘટસ્ફોટ કર્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં પોતાની અદમ્ય બહાદુરીથી તમામ 174 મુસાફરોના જીવ બચાવનાર સ્મિતે જણાવ્યું કે કઈ રીતે કો-પાયલોટે પહેલા નમાજ પઢી અને પછી અચાનક તેમની પર જીવલેણ હુમલો કરી દીધો.
પહેલા નમાજ પઢી, પછી કર્યો માથા પાછળ પ્રહાર
ગંભીર રીતે ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છારે આ ખૌફનાક ઘટના યાદ કરતા ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂને વિગતવાર જણાવ્યું કે, વિમાનની ઉડાન શરૂઆતમાં એકદમ સામાન્ય હતી. સ્થાનિક લોકોમાં આ બાબતે એક સામાન્ય પ્રથા હોવાથી કો-પાયલોટ નમાજ પઢવા લાગ્યા અને તેમના સન્માનમાં સ્મિત મછાર સામેની તરફ જોઈ રહ્યા હતા.
પરંતુ, નમાજ પઢ્યાના આશરે 4 થી 5 મિનિટ પછી અચાનક તેમના માથાના પાછળના ભાગે જોરદાર વાર કરવામાં આવ્યો. મચ્છારે જણાવ્યું કે, "મારો પહેલો વિચાર એવો હતો કે વિમાનને કોઈ મોટું નુકસાન પહોંચ્યું છે. પરંતુ મારા પર સતત વાર થવા લાગ્યા, ત્યારે મને સમજાયું કે આ વિમાનમાં કોઈ નુકસાન નથી થયું પણ બીજી વ્યક્તિ જ મારા પર હુમલો કરી રહી છે."
મારી દૃષ્ટિ ધૂંધળી થઈ અને લોકોની ચીસો સંભળાઈ
શરૂઆતી પ્રહારોને કારણે કેપ્ટન સ્મિત મછારની દૃષ્ટિ ધૂંધળી થઈ ગઈ. તેમણે હુમલાખોરનો વિરોધ અને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિમાન ઝડપથી નીચે તરફ જવા લાગ્યું હતું. સ્મિત મચ્છારે વિગતો આપતા કહ્યું કે, "મારી યાદદાસ્ત અત્યારે ટુકડાઓમાં છે. મેં એક વાર કોકપિટનો દરવાજો ખોલ્યો હતો, પરંતુ તેણે ફરીથી બંધ કરી દીધો. હું કોકપીટના ફ્લોર પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. અંદરથી લોકોની ચીસો સંભળાતી હતી. એ જ ક્ષણે મને લાગ્યું કે મુસાફરો અને વિમાનને બચાવવાની મારી પાસે આખરી તક છે."
છેલ્લી ક્ષણે દરવાજો ખોલી 174 લોકોને બચાવ્યા
સ્મિત મચ્છારે આગળ ઉમેર્યું કે, "મારી અંદર એક છેલ્લી લડાઈ બાકી હતી. ભલે તે મારી વ્યક્તિગત લડાઈ હોય કે મુસાફરો માટેની, મેં મારી પૂરી શક્તિ ઝોંકી દીધી અને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો." દરવાજો ખુલતાની સાથે જ બહાર રહેલા લોકો અને ક્રૂ મેમ્બર્સ તૈયાર હતા, જેમણે પરિસ્થિતિ અને વિમાનનો કંટ્રોલ સંભાળી લીધો હતો.
બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 એ ઈમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા. ફ્લાઈટમાં 27 બાળકો સહિત કુલ 174 મુસાફરો સવાર હતા. આ ઘટના બાદ વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સેફલી લેન્ડ કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિતનો વીડિયો પણ વાયરલ થયો હતો.
કટ્ટરપંથી કો-પાયલોટ દ્વારા આતંકી હુમલાનો પ્રયાસ
UAE તપાસ એજન્સીઓએ આ ઘટનાને એક આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. ઓમાની નાગરિક અને કો-પાયલોટ હમામ અલ-હમ્મામી પર ક્રેશ કુહાડી (Crash Axe) વડે કેપ્ટન પર હુમલો કરવા અને વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. અહેવાલો મુજબ, હમામ અલ-હમ્મામીને અગાઉ તેમના કટ્ટરપંથી વિચારોના કારણે ઓમાનમાં ઉડાન ભરવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
મુંબઈના રહેવાસી સ્મિત, PM મોદીએ કરી પ્રશંસા
મૂળ મુંબઈના ઘાટકોપરના રહેવાસી કેપ્ટન સ્મિત મછાર એવિએશન ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવે છે. તેમની પાસે 13 વર્ષથી વધુનો અનુભવ અને 9,500 થી વધુ ઉડાન કલાકો (Flight Hours) નો બહોળો અનુભવ છે. પ્રધાનમંત્રી મોદીએ પણ કેપ્ટન સ્મિત મછારને વ્યક્તિગત રીતે ફોન કરીને તેમનીઅદભુત બહાદુરી, સાહસ અને સમયસૂચકતાની સરાહના કરી હતી. કેપ્ટન મચ્છર હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ઝડપથી રિકવર થઈ રહ્યા છે.
