Captain Smit Machchhar Attack Story: ગુજરાતી મૂળના પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયા છે. તેના અદમ્ય સાહસના કારણે વિશ્વભરમાં તેના વખાણ થઈ રહ્યા છે. ત્યારે ફ્લાઈટલમાં ઘાયલ થયા બાદ કેપ્ટન સ્મિત મચ્છરનો જીવ કેવી રીતે બચાવાયો તે કહાની ફ્લાઈટમાં રહેલા ઇઝરાયેલી ડેન્ટિસ્ટ ડો. શૌતા મુસાએવે જણાવી છે.
'કેપ્ટન ઊંઘતા નહીં...': 45 મિનિટ સુધી લોહી રોકવા સતત દબાણ જાળવી રાખ્યું
ડો. મુસાએવે પ્લેનમાં હાજર ટી-શર્ટ અને બરફના પેકેટની મદદથી પ્રેશર ડ્રેસિંગ બનાવ્યું હતું. કેપ્ટન સ્મિતના માથા અને ડાબા હાથમાંથી અતિશય લોહી વહી રહ્યું હતું. બલીડિંગ એટલું વધારે હતું કે ટી-શર્ટ હટાવતા જ લોહીનો ફુવારો છૂટતો હતો. આથી ડો. મુસાએવે સતત 45 મિનિટ સુધી ઘા પર બરફ સાથે હાથનું દબાણ બનાવી રાખ્યું હતું.
કેપ્ટન સ્મિત બેભાન ન થઈ જાય તે માટે ડો. મુસાએવ સતત તેમની સાથે વાતો કરતા રહ્યા. તેમણે સ્મિતને પૂછ્યું કે તેમના પરિવારમાં કોણ કોણ છે અને બાળકોના નામ શું છે.
મુસાએવે સ્મિતને હિંમત આપતા કહ્યું, "કેપ્ટન પ્લીઝ ઊંઘતા નહીં, અમને તમારી જરૂર છે. ડરશો નહીં, તમે તમારા પરિવાર પાસે સુરક્ષિત પાછા પહોંચશો."
કેપ્ટન સ્મિતે દર્દથી તરફડતા કહ્યું હતું, "પ્લીઝ મારી મદદ કરો, હું અહીં મરવા નથી માંગતો."
નબ્ઝ ધીમી પડી અને હોઠ વાદળી થયા તો પગ ઊંચા કરી જીવ બચાવ્યો
સતત લોહી વહી જવાના કારણે એક સમયે કેપ્ટન સ્મિતની નબ્ઝ ખૂબ જ ધીમી પડી ગઈ હતી અને તેમના હોઠ વાદળી પડવા લાગ્યા હતા. સ્થિતિ નાજુક બનતા જ ડો. મુસાએવે ત્વરિત બુદ્ધિ વાપરીને કેપ્ટન સ્મિતના બંને પગ ઉપરની તરફ ઉઠાવી લીધા હતા, જેનાથી મગજ તરફ લોહીનું પરિભ્રમણ વધ્યું અને તેમની નબ્ઝ પાછી આવી ગઈ.
પ્લેનનું ક્રૂ સ્મિતને પેઇનકિલર દવાઓ આપવા માંગતું હતું, પરંતુ ડો. મુસાએવે દવા કે વધુ પડતા હલનચલનની મનાઈ ફરમાવી દીધી. કારણ કે, તેનાથી ફરીથી સખત બ્લીડિંગ શરૂ થવાનું જોખમ હતું. તેમણે થોડું થોડું પાણી પાઈને સ્મિતની હાલત સ્થિર રાખી હતી અને ફ્લાઇટ એટેન્ડન્ટ્સને તુરંત ઇમરજન્સી લેન્ડિંગ કરવા જણાવ્યું હતું.
સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડિંગ અને ઇમરજન્સી સારવાર
હુમલાના આશરે 40 મિનિટ બાદ વિમાનનું સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યાં પહોંચતા જ ડો. મુસાએવે કેપ્ટન સ્મિતને એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ સુપ્રત કર્યા હતા અને કહ્યું હતું:
"ગુડ લક મારા દોસ્ત, બધું સારું થઈ જશે."
ડો. મુસાએવે આ સમગ્ર ઘટના અંગે વાત કરતા ભાવુક થઈને કહ્યું હતું:
"કેપ્ટન સ્મિત સાચા હીરો છે. તેમણે પોતાના જીવના જોખમે વિમાનના તમામ મુસાફરો અને મારા પરિવારનો જીવ બચાવ્યો છે. આ કર્મના ફળ છે- તેમણે અમારો જીવ બચાવ્યો અને અમે તેમનો જીવ બચાવ્યો."
