Air India Pilot: કેનેડામાં ઉડાન પહેલા એર ઈન્ડિયાના પાઈલટે દારૂ પીધો, દિલ્હી આવી રહી હતી ફ્લાઈટ

કેનેડાના વેનકુવર એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક પાઈલટને દારૂની ગંધ આવવાને કારણે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 01 Jan 2026 12:36 PM (IST)Updated: Thu 01 Jan 2026 12:36 PM (IST)
canada-vancouver-airport-air-india-pilot-detained-alcohol-smell-flight-delay-665983

Air India Pilot: કેનેડાના વેનકુવર એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક પાઈલટને દારૂની ગંધ આવવાને કારણે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પાઈલટ વેનકુવરથી દિલ્હી જતી ફ્લાઈટ AI186નું સંચાલન કરવાનો હતો, પરંતુ ઉડાન ભરવાના થોડા સમય પહેલા જ તેની અટકાયત કરવામાં આવી હતી. 23 ડિસેમ્બર 2025ના રોજ આ ઘટના બની હતી.

કેવી રીતે પકડાયો પાઈલટ?
અહેવાલો અનુસાર એરપોર્ટ પર આવેલી ડ્યુટી ફ્રી શોપના એક કર્મચારીએ પાઈલટને દારૂ ખરીદતા જોયો હતો અથવા તેના શરીરમાંથી દારૂની ગંધ અનુભવી હતી. આ કર્મચારીએ તાત્કાલિક કેનેડાના અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ પાઈલટનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કર્યો, જે પોઝીટીવ આવ્યો હતો. કનાડાઈ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ દ્વારા પાઈલટની ઓળખ કરી અને તેને વિમાન સુધી પહોંચતા પહેલા જ રોકી લીધો હતો.

કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નાતાલ (ક્રિસમસ) નિમિત્તે ડ્યુટી ફ્રીમાં વાઇનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું અને પાઈલટે કદાચ ભૂલથી તે ચાખ્યું હોઈ શકે છે. જોકે સત્ય જે હોય તે પરંતુ સુરક્ષાના નિયમો મુજબ પાઈલટને રોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. વિમાનના સંચાલન માટે વૈકલ્પિક પાઈલટની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે ફ્લાઈટમાં છેલ્લી ઘડીએ વિલંબ થયો અને મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.

એર ઈન્ડિયાનું સત્તાવાર નિવેદન
એર ઈન્ડિયાએ આ ગંભીર મામલે પોતાનું નિવેદન જારી કર્યું છે. કંપનીએ સ્વીકાર્યું છે કે 23 ડિસેમ્બર 2025ની વેનકુવર-દિલ્હી ફ્લાઈટ AI186માં કોકપિટ ક્રૂના એક સભ્યને કારણે વિલંબ થયો હતો, કારણ કે કનાડાઈ અધિકારીઓએ તેની ફરજ માટેની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. એર ઈન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સંબંધિત પાઈલટને ઉડાન ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો છે.