Delhi Air India Pilot: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 (T1) પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એર ઈન્ડિયા એક્સપ્રેસના એક ઓફ-ડ્યુટી પાઈલટે એક મુસાફર પર કથિત રીતે હુમલો કરીને તેને ઈજા પહોંચાડી છે. આ હુમલામાં મુસાફર અંકિત દીવાન લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ચહેરા પર લોહીવાળી તસવીરો શેર કરીને પોતાનો ભયાનક અનુભવ જણાવ્યો હતો. આ ઘટના સમયે આરોપી પાઈલટ ડ્યુટી પર નહોતો અને અન્ય એક એરલાઇનમાં મુસાફર તરીકે મુસાફરી કરી રહ્યો હતો.
સિક્યોરિટી ચેક દરમિયાન બોલાચાલી અને હુમલો
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અંકિત દીવાન અને તેમના પરિવારને સ્ટાફ માટેના સિક્યોરિટી ચેકનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું, કારણ કે તેમની પાસે સ્ટ્રોલરમાં 4 મહિનાનું બાળક હતું. દીવાનના જણાવ્યા અનુસાર પાઈલટ વીરેન્દ્ર સેજવાલ લાઈન તોડી રહ્યા હતા અને જ્યારે તેમને ટોકવામાં આવ્યા ત્યારે તેમણે ઉદ્ધત વર્તન કરતા પૂછ્યું કે શું તમે અભણ છો? શું તમે સાઈન બોર્ડ નથી વાંચી શકતા કે આ એન્ટ્રી સ્ટાફ માટે છે?. આ બોલાચાલી બાદ પાઈલટે મુસાફર પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને લોહી નીકળવા લાગ્યું હતું.
એરલાઇન દ્વારા પાઈલટ સામે કડક કાર્યવાહી
આ ઘટનાની જાણ થતા જ એર ઈન્ડિયા એક્સપ્રેસે કડક વલણ અપનાવ્યું છે. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ આવા વર્તનની સખત નિંદા કરે છે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સંબંધિત પાઈલટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તપાસના પરિણામોના આધારે પાઈલટ સામે વધુ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેમ એરલાઇને સ્પષ્ટ કર્યું છે.
આ પણ વાંચો
AIX Pilot, Capt. Vijender Sejwal pic.twitter.com/Ntp1pnDgdb
— Ankit Dewan (@ankitdewan) December 19, 2025
પીડિત મુસાફર અંકિત દીવાને એવો પણ આક્ષેપ કર્યો છે કે ઘટના બાદ સત્તાવાળાઓ દ્વારા તેમને એક પત્ર લખવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ પત્રમાં એવી ખાતરી માંગવામાં આવી હતી કે તેઓ આ મામલાને આગળ નહીં વધારે. દીવાને સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કાં તો તે પત્ર લખો અથવા તમારી ફ્લાઇટ મિસ કરો અને 1.2 લાખની રજાઓનું બુકિંગ બરબાદ કરો. તેમણે દિલ્હી પોલીસને ટેગ કરીને પૂછ્યું હતું કે શું ન્યાય મેળવવા માટે તેમણે પોતાના પૈસાનું બલિદાન આપવું પડશે?
પરિવાર અને બાળકો પર માનસિક આઘાત
આ હિંસક ઘટનાની અસર માત્ર અંકિત દીવાન પર જ નહીં, પણ તેમના પરિવાર પર પણ પડી છે. દીવાને જણાવ્યું કે તેમની 7 વર્ષની દીકરીએ આ સમગ્ર હુમલો પોતાની નજર સામે જોયો છે, જેના કારણે તે અત્યારે પણ ભારે આઘાતમાં અને ડરેલી છે. નોંધનીય છે કે હુમલો કરનાર પાઈલટ બાદમાં ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા બેંગલુરુ રવાના થઈ ગયો હતો. આ આખી ઘટના એરપોર્ટ જેવી સુરક્ષિત જગ્યાએ સ્ટાફના વર્તન અને મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે.
