Mohammed Siraj News: ટીમ ઈન્ડિયાને પોતાના ઘરમાં વધુ એક ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુવાહાટી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે 408 રનના મોટા અંતરથી મળેલી સૌથી મોટી અને શરમજનક હાર સાથે જ ભારતીય ટીમનો સિરીઝમાં 0-2થી સફાયો થઈ ગયો. ટીમના પ્રદર્શનથી ચાહકો ગુસ્સે છે અને ખેલાડીઓ પર સવાલ ઉઠી રહ્યા છે. આ સિરીઝમાં ભારતીય પ્લેઇંગ-11નો હિસ્સો રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ એક અલગ કારણોસર ચર્ચામાં છે.
હૈદરાબાદની ફ્લાઇટ 4 કલાક મોડી પડી
ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પોતપોતાના ઘર અથવા વનડે સિરીઝ માટે રવાના થયા હતા. મોહમ્મદ સિરાજ ભારત-સાઉથ આફ્રિકા વનડે સિરીઝનો ભાગ ન હોવાથી તેઓ ટેસ્ટ સિરીઝ સમાપ્ત થતા જ પોતાના શહેર હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા. જોકે તેમને એર ઇન્ડિયાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
મોહમ્મદ સિરાજ ગુસ્સે થયો
સિરાજને ગુવાહાટીથી હૈદરાબાદ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX 2884 માં જવાનું હતું, પરંતુ તે ફ્લાઇટ 4 કલાક મોડી પડી. આ કારણે ભારતીય પેસર ભડકી ઉઠ્યા હતા. તેમણે પોતાના 'એક્સ' (X) એકાઉન્ટ પર એરલાઇન પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. સિરાજે રાત્રે 11:33 વાગ્યે પોસ્ટ કરીને લખ્યું કે ફ્લાઇટ IX 2884ને 7:25 વાગ્યે ઉપડવાનું હતું, પરંતુ એરલાઇન તરફથી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. વારંવાર પૂછવા છતાં તેમણે કોઈ યોગ્ય કારણ વગર ફ્લાઇટ ડિલે કરી દીધી. સિરાજે આ અનુભવને 'ખૂબ જ નિરાશાજનક' ગણાવ્યો અને કહ્યું કે ફ્લાઇટ 4 કલાકથી મોડી છે અને હજુ પણ કોઈ માહિતી ન હોવાથી અમે અટવાયેલા છીએ. તેમણે તેને સૌથી ખરાબ એરલાઇન અનુભવ ગણાવ્યો.
Air India flight no IX 2884 from Guwahati to Hyderabad was supposed to take off at 7.25 however there has been no communication from the airline and after repeatedly following up, they have just delayed the flight with no proper reasoning. This has been really frustrating and…
— Mohammed Siraj (@mdsirajofficial) November 26, 2025
એરલાઇન તરફથી સ્પષ્ટતા
ભારતીય સ્ટાર ક્રિકેટરની પોસ્ટ બાદ એર ઇન્ડિયાએ લગભગ 40 મિનિટ પછી તેમના પોસ્ટનો જવાબ આપ્યો. એરલાઇને જણાવ્યું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. એરલાઇને આ સ્થિતિ માટે માફી માંગતા જણાવ્યું કે તેમની ટીમ એરપોર્ટ પર તમામ મુસાફરોને જરૂરી વ્યવસ્થામાં સક્રિયપણે મદદ કરી રહી છે અને દરેક પ્રકારના અપડેટ તથા સપોર્ટ આપતી રહેશે.
