Ali Khamenei Funeral News: ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના નિધનને લગભગ 50 દિવસ (7 અઠવાડિયા) જેટલો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવામાં આવી નથી. અહેવાલો અનુસાર, તેઓ 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. સામાન્ય રીતે ઈરાની પરંપરા મુજબ અંતિમ સંસ્કાર જલ્દી કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં વિલંબ થતા વિશ્વભરમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Iran War: સુરક્ષા કારણો અને ઇઝરાયેલનો ડર
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ઈરાની સત્તાધીશો આ વિલંબ પાછળ સુરક્ષા કારણો અને લોજિસ્ટિક પડકારોનો હવાલો આપી રહ્યા છે. અધિકારીઓને મુખ્યત્વે ડર છે કે જો કોઈ મોટું જાહેર આયોજન કરવામાં આવશે, તો ઇઝરાયેલ તે ભીડને નિશાન બનાવીને ફરીથી હવાઈ હુમલો કરી શકે છે. આ ઉપરાંત, ઈરાની શાસન ભીડમાં ફાટી નીકળનારી સંભવિત આંતરિક અશાંતિ અને રાષ્ટ્રવાદી વિરોધ પ્રદર્શનોની આશંકાથી પણ ડરેલું છે. નિષ્ણાતો માને છે કે ઈરાનનું વર્તમાન શાસન અત્યારે એટલું નબળું છે કે તે કોઈ મોટું જોખમ ઉઠાવવાની સ્થિતિમાં નથી.
Iran Leadership Crisis: નવા નેતૃત્વની મૂંઝવણ
આ મામલાનું બીજું પાસું નવા સર્વોચ્ચ નેતા મૌજતબા ખામેની છે. તેઓ તેમના પિતાના નિધન બાદ હજુ સુધી સાર્વજનિક રીતે સામે આવ્યા નથી. જો અયાતુલ્લા ખામેનીના અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવે, તો મૌજતબાએ ત્યાં હાજર રહેવું પડે અને પોતાની લાંબી ગેરહાજરી અંગે પણ સ્પષ્ટતા આપવી પડે, જે હાલની અસ્થિર સ્થિતિમાં શાસન માટે જોખમી જણાઈ રહ્યું છે.
Iran Crisis Latest News: મશહદમાં અંતિમ સંસ્કારની શક્યતા
શરૂઆતમાં 4 માર્ચથી ત્રણ દિવસના રાજકીય અંતિમ સંસ્કારની યોજના બનાવાઈ હતી, પણ સતત હુમલાઓને કારણે તે રદ કરવામાં આવી હતી. હવે ઈરાની શાસન ખામેનીના અંતિમ સંસ્કાર માટે તેમના વતન શહેર મશહદને સંભવિત સ્થળ તરીકે વિચારી રહ્યું છે. આ શહેર તુર્કમેનિસ્તાન સરહદ નજીક આવેલું છે અને ઇઝરાયેલથી ઘણું દૂર હોવાથી ત્યાં સુરક્ષા જાળવવી વધુ સરળ બની શકે તેમ છે.
Iran War News: ઐતિહાસિક સરખામણી અને વર્તમાન સ્થિતિ
વર્ષ 1989 માં જ્યારે અયાતુલ્લા ખામેનીનું અવસાન થયું હતું, ત્યારે તેહરાનની સડકો પર લાખો લોકોની ભીડ ઉમટી પડી હતી. તેની સરખામણીએ અલી ખામેની માટે તેવું ભવ્ય આયોજન કરવું અત્યંત જોખમી બની ગયું છે. ઈરાનમાં છેલ્લા 50 દિવસથી ઇન્ટરનેટ પણ બંધ રાખવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે સરકાર પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા મથી રહી છે અને કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનથી ડરેલી છે.
