અયાતુલ્લા ખામેનેઈના જનાજામાં દેખાયેલા માસ્કમેન પાછળનું શું છે રહસ્ય? મોજતબા નહીં પણ આ વ્યક્તિ હતો માસ્ક પાછળ

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમ યાત્રામાં કાળી ટોપી અને માસ્ક પાછળ છુપાયેલા ચહેરાને લઈને મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે વ્યક્તિ ખામેનેઈનો ઉત્તરાધિકારી મોજતબા નહીં, પરંતુ તેનો મોટો પૌત્ર મોહમ્મદ જવાદ હતો. જાણો ચહેરો છુપાવવાનું અસલી કારણ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 12 Jul 2026 09:42 PM (IST)Updated: Sun, 12 Jul 2026 09:42 PM (IST)
what-is-the-mystery-behind-the-masked-man-seen-at-ayatollah-khameneis-funeral-procession-it-was-not-mojtaba-but-this-person-behind-the-mask

Iran News: અમેરિકા અને ઈઝરાયેલના ભીષણ હવાઈ હુમલામાં માર્યા ગયેલા ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને તાજેતરમાં જ તેમના વતન મશહદમાં ભારે સુરક્ષા વચ્ચે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા છે. ખામેનેઈની આ અંતિમ યાત્રા વિશ્વભરના મીડિયામાં અનેક કારણોસર ચર્ચાનો વિષય બની રહી. પરંતુ આ ચર્ચા ત્યારે વધી જ્યારે જનાજાની તસવીરોમાં એક રહસ્યમય માસ્કમેન નજરે પડ્યો.

આ તસવીરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું અને દુનિયાભરની ગુપ્તચર એજન્સીઓ તેમજ આંતરરાષ્ટ્રીય મીડિયામાં એક જ સવાલ ગૂંજવા લાગ્યો કે, કાળી ટોપી અને માસ્ક પાછળ પોતાનો ચહેરો છુપાવીને બેઠેલી એ વ્યક્તિ કોણ હતી? શું તે અયાતુલ્લા ખામેનેઈના ઉત્તરાધિકારી માનવામાં આવતા તેમના પુત્ર મોજતબા ખામેનેઈ હતા? હવે આ રહસ્ય પરથી આખરે પડદો ઊંચકાઈ ગયો છે.

કોણ હતો એ રહસ્યમય નકાબપોશ?

સમગ્ર ઘટનાક્રમ કંઈક એવો છે કે ખામેનેઈના જનાજાની પ્રથમ લાઈનમાં જ એક શખ્સ કાળા રંગનો ફેસ માસ્ક અને કાળી બેઝબોલ કેપ (ટોપી) પહેરીને બેઠેલો જોવા મળ્યો હતો. તેનો ચહેરો એટલી હદે ઢંકાયેલો હતો કે તેને ઓળખવો અશક્ય હતો. શરૂઆતમાં એવા જોરદાર અટકળો લગાવવામાં આવી રહ્યા હતા કે આ રહસ્યમય શખ્સ બીજું કોઈ નહીં પણ ખામેનેઈનો પુત્ર 'મોજતબા ખામેનેઈ' છે, જે આગામી સમયમાં ઈરાનની કમાન સંભાળી શકે છે.

પરંતુ ઈરાની મીડિયા આઉટલેટ 'ઈરાન ઈન્ટરનેશનલ'ના અહેવાલ અનુસાર, આ દાવો ખોટો સાબિત થયો છે. રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે માસ્ક પાછળ છુપાયેલો ચહેરો મોજતબાનો નહીં, પરંતુ અયાતુલ્લા ખામેનેઈના સૌથી મોટા પૌત્ર (પોતા) 'મોહમ્મદ જવાદ ખામેનેઈ'નો હતો.

ચહેરો છુપાવવાનું અસલી કારણ

રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર એક મોટો એરસ્ટ્રાઈક (હવાઈ હુમલો) કર્યો હતો, જેમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું. જે સમયે આ ભયાનક હુમલો થયો, ત્યારે તેમનો પૌત્ર મોહમ્મદ જવાદ પણ ત્યાં જ હાજર હતો.

આ હવાઈ હુમલાના બ્લાસ્ટમાં મોહમ્મદ જવાદનો ચહેરો ગંભીર રીતે દાજી ગયો હતો અને તેને ઊંડી ઈજાઓ થઈ હતી. ચહેરા પરના એ જ ભયાનક જખમો અને પ્લાસ્ટિક સર્જરી કે સારવારના નિશાનોને મીડિયા અને દુનિયાથી છુપાવવા માટે તે દાદાના જનાજામાં કાળો માસ્ક અને ટોપી પહેરીને આવ્યો હતો. જવાદ, ખામેનેઈના સૌથી મોટા પુત્ર મુસ્તફા ખામેનેઈનો દીકરો છે.

પુત્ર 'મોજતબા ખામેનેઈ' વિશે શું છે અપડેટ્સ?

બીજી તરફ, ખામેનેઈના અવસાન બાદ ઈરાનની સત્તા સંભાળવાની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા તેમના પુત્ર મોજતબા ખામેનેઈને લઈને પણ ચોંકાવનારા અહેવાલો વહેતા થયા છે. અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ (CIA)ના હવાલાથી 'ન્યૂયોર્ક પોસ્ટ' દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મોજતબા પણ એ જ હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનો ચહેરો પણ વિકૃત (બગડી) થઈ ગયો છે.

તેઓ હુમલા વખતે પિતાના ઘરની અંદર જ હતા, પરંતુ બીજા રૂમમાં હોવાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. સાયપ્રસમાં ઈરાનના રાજદૂતના જણાવ્યા મુજબ, મોજતબાના હાથ, પગ અને બાજુ પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેની હોસ્પિટલમાં લાંબી સારવાર ચાલી રહી હતી. આ હુમલા બાદથી જ મોજતબા ક્યારેય જનતાની સામે આવ્યા નથી કે કોઈ ભાષણ આપ્યું નથી. તેઓ હાલમાં ઈરાનના સૈન્ય કમાન્ડરો અને વરિષ્ઠ ધર્મગુરુઓ સાથે માત્ર હાથથી લખેલા ગુપ્ત સંદેશાઓ દ્વારા જ સંપર્ક કરી રહ્યા છે.

મોત પછી 4 મહિના કેમ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો શવ?

અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ લગભગ 4 મહિના જેટલો લાંબો સમય વીતી ગયા પછી તેમને મશહદના ઐતિહાસિક 'ઇમામ રઝા દરગાહ'માં દફનાવવામાં આવ્યા. આટલો મોટો વિલંબ કેમ થયો? તેના જવાબમાં ઈરાનના સત્તાવાર અધિકારીઓએ જણાવ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલ સાથે સીધા સૈન્ય સંઘર્ષને કારણે સુરક્ષાનો બહુ મોટો ખતરો હતો. આટલી ગંભીર સ્થિતિ વચ્ચે તાત્કાલિક મોટો સાર્વજનિક કાર્યક્રમ કરવો આત્મઘાતી સાબિત થઈ શકત.

આ જ કારણોસર ખામેનેઈના મૃતદેહને લગભગ 4 મહિના સુધી અત્યંત ગુપ્ત રીતે 'કોલ્ડ સ્ટોરેજ'માં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ઈરાનની સરકારી મીડિયાના અહેવાલો મુજબ, દેશમાં યોજાયેલા 6 દિવસના સત્તાવાર શોક કાર્યક્રમો અને અંતિમ યાત્રામાં આશરે 4.3 કરોડ લોકો ઉમટી પડ્યા હતા.