UAE Accident: બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 11 લોકોના મોત

સંયુક્ત અરબ અમીરાત (UAE) ના રાસ અલ ખૈમાહમાં અલ વતન રોડ પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Tue, 24 Nov 2026 01:02 PM (IST)Updated: Tue, 24 Nov 2026 01:02 PM (IST)
accident-between-a-bus-and-a-truck-in-ras-al-khaimah-uae-11-people-killed
AI તસવીર

UAE Accident: સંયુક્ત અરબ અમીરાત (UAE) ના રાસ અલ ખૈમાહમાં ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. સામે આવેલી વિગતો અનુસાર અલ વતન રોડ પર એક મુસાફરો ભરેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 11 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને બચાવ કાર્ય શરુ કરી દીધુ હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ટ્રાફીકજામ થઈ ગયો હતો જેને પોલીસે દૂર કર્યો હતો. આ ઉપરાંત ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા

સંયુક્ત અરબ અમીરાત (UAE) ના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, મંગળવારે, UAE ના સાત અમિરાતોમાંથી એક રાસ અલ ખૈમાહમાં એક બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સ ટીમે રેસ્ક્યૂ કામગીરી શરુ કરી દીધી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળી લીધી હતી અને ટ્રાફીકજામ દૂર કરી વાહનોની અવર જવરને પૂર્વરત કરી હતી. આ ભીષણ અકસ્માતને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોની મરણચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.

UAE ના ગૃહ મંત્રાલયે આપ્યા તપાસના આદેશ

આ ભીષણ અકસ્માતની ઘટનાને લઈ UAE સરકાર એક્શનમાં આવી છે અને તપાસના આદેશ આપી દીધા છે. આ ઉપરાંત તેમણે લોકોને એમ પણ અપીલ કરી છે કે, માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ કરે અને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.

12 નવેમ્બરે પણ એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી હતી

આ પહેલા પણ 12 નવેમ્બરે પણ એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી હતી ત્યારે ફુજૈરાહમાં શેખ ખલીફા બિન જાયદ રોડ પર થયેલા અકસ્માતમાં 14 લોકો માર્યા ગયા હતા અને 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની વધતી ઘટનાને લઈ સરકારે કહ્યું છે કે, હાઈવે પર વાહન ચલાવતી વખતે ટ્રાફીક નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે અને બે વાહનો વચ્ચે યોગ્ય અંતર રાખે. હજુ સુધી આ અકસ્માત કેમ થયો તેની જાણ થઈ નથી. પોલીસ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.