Vadodara News: વડોદરા શહેરમાં માર્ગ સલામતી વધારવા અને અકસ્માતોમાં થતા જીવલેણ બનાવો અટકાવવાના હેતુથી વડોદરા પોલીસે રોડ સેફ્ટી અંતર્ગત વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના ભાગરૂપે શહેરના વ્યસ્ત ગેંડા સર્કલ ખાતે હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સ્વયં ઉપસ્થિત રહી વાહનચાલકોને હેલ્મેટ અર્પણ કર્યા હતા અને સુરક્ષિત મુસાફરી માટે ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરવાની સૂચના આપી હતી.
પોલીસ તંત્ર દ્વારા નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો
મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરમાં અત્યારસુધી બનેલા વિવિધ રોડ અકસ્માતોમાં હેલ્મેટ ન પહેરવાના કારણે અનેક ટુ વ્હીલર ચાલકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. માથાના ભાગે ગંભીર ઈજા થવી એ અકસ્માતમાં મૃત્યુનું એક મુખ્ય કારણ રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા માત્ર કડક કાર્યવાહી કે દંડ ફટકારવા પૂરતી મર્યાદિત ન રહેતા, નાગરિકોમાં હકારાત્મક જાગૃતિ આવે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનરે વાહનચાલકો સાથે સીધો સંવાદ સાધ્યો
ગેંડા સર્કલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે વાહનચાલકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હેલ્મેટ એ કોઈ કાયદાકીય બોજ કે માત્ર દંડથી બચવાનું સાધન નથી, પરંતુ વાહનચાલકના પોતાના જીવનની સુરક્ષા માટેનું સૌથી મહત્વનું કવચ છે. દરેક નાગરિક પોતાની અને પરિવારની સલામતી માટે ફરજિયાત હેલ્મેટ પહેરે તેમજ સિગ્નલ અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
2000થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટીના આ જનજાગૃતિ અભિયાન હેઠળ અત્યારસુધી 2000થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. દંડ વસૂલવાના બદલે હેલ્મેટ આપીને વાહનચાલકોને સુરક્ષાનું મહત્વ સમજાવવાના આ અભિગમને શહેરીજનો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરના માર્ગો પર શિસ્તબદ્ધ વાહનવ્યવહાર જાળવવાનો અને અકસ્માત સમયે થતી જાનહાનિને ઘટાડવાનો છે. પોલીસના આ પ્રયાસોથી ટુ વ્હીલર ચાલકોમાં નિયમિત હેલ્મેટ પહેરવાની ટેવ કેળવાય અને શહેરમાં રોડ સેફ્ટી વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
