Vadodara News: કાર્તિકી પૂનમના પાવન અવસરે વડોદરાની વર્ષો જૂની પરંપરા મુજબ આજે ભગવાન શ્રી નરસિંહજી અને માતા તુલસીજીના ભવ્ય વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગને લઈને તુલસીવાડી વિસ્તારમાં રંગરોગાન, સાફ-સફાઈ અને ઠાકોરજીના સેવાક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ઉત્સવ પૂર્વે જ મહિલા ભક્તોએ તુલસીવાડી પહોંચી માતા તુલસીના દર્શન કરી કન્યાદાન અર્પણ કર્યું હતું અને સૌના કલ્યાણની પ્રાર્થના કરી હતી.
મંદિરેથી ભગવાનનો શાહી વરઘોડો પ્રસ્થાન કરશે
આયોજન મુજબ, તા. 24 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે નરસિંહજીની પોળ સ્થિત મંદિરેથી ભગવાનનો શાહી વરઘોડો પ્રસ્થાન કરશે. ત્રણ ભજન મંડળીઓ, બે બેન્ડવાજા અને ભવ્ય પાલખી સાથે નીકળનારા આ વરઘોડામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ વરઘોડો એમ.જી. રોડ અને માંડવી થઈ વિઠ્ઠલજી મંદિર પહોંચશે. ત્યાં પૂજાવિધિ બાદ ભગવાનની પાલખીને આઇસર ફ્લોટમાં બિરાજમાન કરી ચાંપાનેર દરવાજા, અડાણીયા પુલ, ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા નાકા અને મંગલેશ્વર ઝાંપા થઈ મોડી રાત્રે તુલસીવાડી સ્થિત તુલસી મંદિરે લઈ જવાશે.
તુલસી મંદિરે ભગવાન નરસિંહજી અને તુલસીજીના લગ્ન સંપન્ન થશે
તુલસી મંદિરે આશરે ત્રણ કલાક સુધી શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન નરસિંહજી અને તુલસીજીના લગ્ન સંપન્ન થશે. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ25 નવેમ્બરે રાત્રે 2.30 વાગ્યે પાલખી પરત ફરવા રવાના થશે અને વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ નિજ મંદિરે પહોંચશે. પરંપરા અનુસાર ગત રાત્રે મહેતા પોળના નાકે ભજન મંડળીઓએ એકત્ર થઈ ભગવાનને સલામી આપી હતી, જ્યારે આગામી તા. ૨૬ નવેમ્બરે અંતિમ સલામી અર્પણ કરાશે.
શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
સમગ્ર વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. અગાઉ સીટી પોલીસ સ્ટેશન ખાતે આયોજકો અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. રૂટ પર 1500થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડ, TRB અને SAFના જવાનો તૈનાત કરાયા છે. આ ઉપરાંત, DCB, PCB અને SOGની ટીમો અસામાજિક તત્ત્વો પર બાજનજર રાખશે, તેમજ સાયબર ક્રાઇમની ટીમ સોશિયલ મીડિયા પર સતત વોચ રાખી રહી છે.
