Somnath Temple Darshan: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને 'VIP દર્શન' અથવા 'સ્પેશિયલ દર્શન' ના નામે ચાલતી ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવા સત્તાવાર અનુરોધ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોમનાથ મંદિર(Somnath Temple)માં દર્શન માટે કોઈપણ પ્રકારની VIP પાસ કે પેઇડ ટિકિટની પ્રથા અસ્તિત્વમાં નથી. શ્રદ્ધાળુઓને આવી ભ્રામક જાહેરાતોનો ભોગ ન બનવા અને માત્ર અધિકૃત માધ્યમોનો જ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
તાજેતરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની IT ટીમ દ્વારા કરવામાં આવેલા સતત મોનિટરિંગ દરમિયાન જાણવા મળ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો ઓનલાઈન માધ્યમો પર 'VIP દર્શન' ની સેવા આપવાના બહાને યાત્રીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવી રહ્યા છે. આ છેતરપિંડી કરનારાઓ સર્ચ એન્જિનના કી-વર્ડ્સનો દુરુપયોગ કરી રહ્યા છે, જેના પરિણામે ગુગલ એઆઇના સર્ચ રિઝલ્ટમાં પણ 'સોમનાથમાં VIP દર્શનની ટિકિટ ઉપલબ્ધ હોવા' જેવી ખોટી માહિતી પ્રદર્શિત થાય છે. ટ્રસ્ટે આ તમામ વિગતોને સંપૂર્ણપણે ભ્રામક અને અસત્ય ગણાવી છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટે પુનઃ સ્પષ્ટતા કરી છે કે પૂજા વિધિ, રૂમ બુકિંગ અને પ્રસાદ ઓર્ડર સહિતની તમામ સેવાઓ માટે માત્ર ને માત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org જ કાર્યરત છે. શ્રદ્ધાળુઓને અન્ય કોઈ પણ બિનઅધિકૃત વેબસાઇટ કે સોશિયલ મીડિયા લિંક્સ પર નાણાકીય વ્યવહાર ન કરવા તાકીદ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા તમામ ઓનલાઈન સેવાઓ પારદર્શક રીતે માત્ર પોતાની અધિકૃત વેબસાઈટ પરથી જ પૂરી પાડવામાં આવે છે.
શ્રદ્ધાળુઓના હિતની રક્ષા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવી છેતરપિંડી આચરતી વેબસાઇટ્સને તાત્કાલિક બ્લોક કરવા માટે ગુગલને સત્તાવાર અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. આ સાથે જ, આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો સામે કાયદાકીય પગલાં લેવા માટે પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટની આઈ.ટી. ટીમ આવી સંદિગ્ધ પ્રવૃત્તિઓ પર સતર્ક નજર રાખી રહી છે જેથી ભક્તોને ડિજિટલ ફ્રોડથી બચાવી શકાય.
