Somnath Temple History: આજથી બરાબર 75 વર્ષ પહેલા એટલે કે, 11 મે 1951ના રોજ દેશના સૌથી પૌરાણિક મંદિરો પૈકીના એક સોમનાથ મહાદેવના મંદિરનો જિર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો. આ સુવર્ણ અને ઐતિહાસિક પ્રસંગને 'સોમનાથ અમૃત પર્વ' તરીકે ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે 11 પવિત્ર તીર્થોના પવિત્ર જળનો મંદિરના 90 મીટર ઉંચા શિખર પર 'કુંભાભિષેક' કરવામાં આવશે. સોમનાથ મહાદેવનો ઈતિહાસ પૌરાણિક અને સંઘર્ષમય રહેલો છે.
સૌમનાથ જ્યોતિર્લિંગનું મહાત્મ્ય
સનાતન ધર્મમાં મહાદેવને દેવાધિદેવ કહેવામાં આવે છે. એમા પણ જ્યોતિર્લિંગોને ભગવાન શિવની દિવ્ય ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના સંપૂર્ણ ભારતવર્ષમાં કુલ 12 જ્યોતિર્લિંગ સ્થાપિત છે. જેમાં સોમનાથ જ્યોતિર્લિંગ સૌપ્રથમ જ્યોતિર્લિંગ છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા વેરાવળ નજીક પ્રભાસ પાટણ સ્થિત, આ પવિત્ર મંદિર સદીઓથી ભક્તોની આસ્થાનું મોટું કેન્દ્ર રહ્યું છે. સોમનાથ મહાદેવનો અર્થ સોમના સ્વામી એટલે કે, 'ચન્દ્રના સ્વામી' થાય છે.
સોમનાથ મહાદેવ સાથે જોડાયેલી દંતકથા
લોક મુખે બોલાતી દંતકથા મુજબ, ભગવાન ચંદ્ર દ્વારા આ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હતી.સોમનાથ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથો શિવ અને સ્કંદ પુરાણોમાં ઉલ્લેખ મળે છે. ધાર્મિક માન્યતા મુજબ, સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી ભક્તોના પાપોનો નાશ થઈ જાય છે. તેમજ ભક્તોને મહાદેવ આશિર્વાદ આપે છે. પરંતુ સૌથી વધુ પ્રચલિત દંતકથા ચંદ્રદેવ અને દક્ષ પ્રજાપતિની છે.
ચંદ્રદેવ અને દક્ષ પ્રજાપતિની માન્યતા
પૌરાણિક માન્યતાઓ મુજબ, બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે થયા હતા. જે 27 પુત્રીઓને 27 નક્ષત્રો ગણાય છે. ચંદ્રદેવ તમામ પત્નીઓમાંથી રોહિણીને સર્વાધિક પ્રેમ કરતા હતા. તેમજ પોતાનો મોટા ભાગનો સમય રોહિણી સાથે વિતાવતા હતા. પરિણામે બાકીની 26 પત્નીઓને ખુબ જ દુ:ખ પહોંચ્યું જેથી તેમણે પિતા દક્ષ પાસે ફરિયાદ નોંધાવી હતી. દક્ષ પ્રજાપતિને જાણ થતા તેમણે ચંદ્રદેવને સમજાવાનો પ્રયાસ કર્યો હતો.
ભગવાન શિવે ચંદ્રદેવને બચાવ્યા
ચંદ્રદેવે સસરાની વાતને ગંભીરતાથી ન લેતા આખરે ગુસ્સે થયા હતા. પરિણામે દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે, તેમનું તેજ ધીમે ધીમે ઓછું થઈ જશે. તે પછી ભગવાન બ્રહ્માના કહેવાથી ચંદ્રદેવે ભગવાન શિવની ઉપાસના પ્રારંભ કરી, સૌરાષ્ટ્રના કિનારે શિવલિંગ સ્થાપિત કરી વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. ભગવાન શિવે ચંદ્રદેવની તીવ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને દર્શન આપીને ઉગાર્યા હતા. ભગવાન શિવે ચંદ્ર દેવને નવું જીવન આપ્યું તેથી, તેમને સોમનાથ તરીકે પૂજવામાં આવે છે.
સોમનાથ મહાદેવ ગૌરવપૂર્ણ મહાગાથા
ઇતિહાસકારના જણાવ્યા મુજબ, સોમનાથ મહાદેવ મંદિર સ્થાપત્ય કળાનું એક અનોખું ઉદાહરણ છે. જેમાં શિવલિંગ ચુંબકીય શક્તિના આધારે ગર્ભગૃહમાં હવામાં સ્થિર રહેતું હતું. જેને જોઈને પરદેશી આક્રમણકારી મહેમૂદ ગઝની પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો. ઐતિહાસિક દસ્તાવેજો મુજબ આ મંદિરનું અસ્તિત્વ સામાન્ય યુગ પહેલાનું જાણવા મળે છે.
સોમનાથ મંદિર પર આરંભિક હુમલાઓ
સોમનાથ મંદિરનું 649 એડીમાં મૈત્રક વંશના પ્રતાપી રાજાઓએ નિર્માણ કરાવ્યું. જે બાદ 725 એડીમાં સિંધના સુબા અલ જુનૈદે મંદિરને તોડી નાખ્યું હતું. જે બાદ 815 એડીમાં ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટે પુનર્નિર્માણ કરાવ્યું હતું.
ગઝનીના મહમૂદનો હુમલો
ઈતિહાસમાં સૌથી વધુ 17 વાર સોમનાથ મંદિરને મહમૂદ ગઝનીએ લૂંટ્યું હતું.ઈ.સ 1026માં ગઝનીના મહમૂદે 5,000 સૈનિકોની સેના સાથે મંદિરની અઢળક સંપત્તિ લૂંટીને નિર્દોષ લોકોનું લોહી વહાવ્યું હતું. જોકે, ત્યારબાદ સોલંકી વંશના રાજા ભીમદેવે મંદિરનું ફરી નિર્માણ કરાવ્યું હતું. ઈ.સ. 1093 થી 1168 દરમિયાન સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને સોમનાથ મંદિરને બચાવ્યું હતું.
દિલ્હીના સુલ્તાનો અને મુઘલોનો હુમલો
દિલ્હીમાં સલ્તનત કાળમાં ઇ.સ 1297માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુસરત ખાને, ઉપરાંત ઈ.સ 1395માં મુઝફ્ફર શાહ અને ઈ.સ 1412માં અહેમદ શાહે મંદિરને નિશાન બનાવ્યું હતું. મુઘલ વંશના ધર્માંધ શાસક ઔરંગઝેબે વર્ષ 1665 અને 1706માં બે વાર મંદિર તોડીને ભારે કત્લેઆમ મચાવી હતી. જ્યારે સોમનાથ મહાદેવનું મુખ્ય મંદિર ખંડિત હતું. ત્યારે ઈ.સ 1783માં ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલ્કરે મુખ્યમંદિરની બાજુમાં નવુ શિવ મંદિર બંધાવ્યું હતું.
આઝાદી અને આધુનિક સોમનાથનું નિર્માણ
દેશની આઝાદી પછી સરદાર પટેલે સોમનાથના દરિયાકિનારે મંદિરના પુનર્નિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના પ્રયાસોથી ઈ.સ 1950 માં મંદિરનું કામ શરૂ થયું હતું. આજે પ્રભાસના દરિયા કાંઠે સોમનાથ મહાદેવનું મંદિર ગર્વથી ઉભેલું છે. તે કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં સાતમી વાર નિર્માણ પામેલું છે. સોમનાથ ટ્રસ્ટ મુજબ, સોમનાથ મંદિરનું પુનનિર્માણ 1 ડિસેમ્બર, 1995 ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ આ ભવ્ય મંદિર રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. હાલમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.
