Ghela Somnath Mahadev Temple History: ગુજરાતમાં ભગવાન શિવને સમર્પિત અનેક શિવ મંદિરો આવેલા છે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે જાય છે. ભગવાનના દર્શન કરીને ભક્તો આધ્યાત્મિક શાંતિ મેળવે છે, ગુજરાતના ઘણા શિવ મંદિરો પૈકી ઘેલા સોમનાથનું મંદિર આવું જ એક મંદિર છે. જ્યાં પ્રભુના દર્શન કરીને ભક્તો આદ્યાત્મિક શાંતિનો અનુભવ કરતાં હોય છે. શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લામાં જસદણ નજીક ઘેલા નદીના શાંત કિનારે આવેલું છે. આજે ગુજરાતી જાગરણની સીરિઝમાં વાચકોને શ્રી ઘેલા સોમનાથ મંદિર વિશે માહિતી આપીશું.
શ્રી ઘેલા સોમનાથ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ
સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર વિરાજમાન શ્રી ઘેલા સોમનાથનું મંદિર એક પવિત્ર અને ઐતિહાસિક તીર્થધામ છે. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા આ શિવ મંદિરમાં શ્રાવણ અને મહાશિવરાત્રિના સમયે ભક્તોનો ભારે ઘસારો રહે છે. આ મંદિરમાં ભક્તોને માનસિક શાંતિ અને ભગવાન શિવની દિવ્ય અનુભૂતિ થાય તેવો અહેસાસ થાય છે . દર વર્ષે હજારોની સંખ્યામાં ભકતો આ મંદિરની મુલાકાત લે છે. ખાસ કરીને, શ્રાવણ માસ, એને મહાશિવરાત્રિના પર્વમાં મંદિરમાં ભોલેનાથના મંત્રોચ્ચારથી અદ્યાત્મિક વાતાવરણ ઉભું થાય છે.
ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ
શ્રી ઘેલા સોમનાથ દાદાના ઇતિહાસની વાત કરીએ તો, જસદણ પાસે આવેલું ઘેલા સોમનાથ મંદિર આશરે 15મી સદી (1457)નું પૌરાણિક સ્થળ છે. જ્યારે સોમનાથ પર આક્રમણ થવાનું હતું. ત્યારે જૂનાગઢના ચુડાસમા વંશના કુંવર મહિપાલના પુત્રી અને શિવભક્ત મીનળદેવીને મહાદેવજીએ સ્વપ્નમાં દર્શન આપી પાલખીમાં શિવલિંગ લઈ જવાનો આદેશ આપ્યો. મુસ્લિમ શાસક મહંમદ જાફરના સૈન્યથી શિવલિંગને બચાવવા માટે મીનળદેવી અને ઘેલો વાણિયો સોમનાથી પાલખી લઈને ભાગી નીકળ્યા હતા.
સુલ્તાનના સૈન્યે પાલખીનો પીછો કર્યો. જેના પરિણામે ક્ષત્રિયો અને બ્રાહ્મણોએ શિવલિંગના રક્ષણ માટે યુદ્ધ કર્યું. કાળાસર અને મોઢુકા ગામ વચ્ચે આવેલી નદી કિનારે આ શિવલિગની સ્થાપના કરવામાં આવી હતી. શિવલિંગના રક્ષણ કાજે યુદ્ધ દરમિયાન ઘેલા વાણિયાનું મસ્તક ધડથી અલગ થઈ જવા છતાં તે લડતો રહ્યો હતો. સુલ્તાને જ્યારે શિવલિંગ પર તલવારથી પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેમાંથી ભમરાઓ નીકલીને આખા સૈન્યનો નાશ કર્યો. ઘેલા વાણિયાના સમર્પણ પરથી આ મંદિરનું નામ ઘેલા સોમનાથ અને નદીનું નામ ઘેલો નદી પડ્યું. મંદિરની સામેના ડુંગર પર મીનળદેવીએ સમાધિ લીધી હતી.
રાજશાહી વખતે આ મંદિરનો વહીવટ જસદણ દરબાર સંભાળતા, જ્યારે હાલમાં તેનો વહીવટ રાજકોટ કલેક્ટર દ્વારા થાય છે. અહીં વર્ષભર અન્નક્ષેત્ર ચાલે છે અને શ્રાવણ માસ દરમિયાન વિશેષ શણગાર, લોકમેળો તથા બ્રહ્મચોરાસીનું આયોજન કરવામાં આવે છે.
ઘેલા સોમનાથ આરતી સમય
પ્રભાત આરતી: 5:00થી 6:00 વાગ્યા
સવારની આરતી: 7:00થી 9:00 વાગ્યા
બપોરની આરતી: 12:00થી 1:00 વાગ્યા
સાંજની આરતી 6:00થી 7:00 વાગ્યા
રાત્રિની આરતી: 8:00થી 8:30 વાગ્યા
નોંધ: તહેવારોના દિવસોમાં આરતી અને દર્શન સમય વિશેષ હોઈ શકે છે.
શ્રી ઘેલા સોમનાથ મંદિર કેવી રીતે પહોંચવું?
રોડ દ્વારા (By Road)
ઘેલા સોમનાથ સુધી પહોંચવા માટે ભક્તો રાજકોટથી જસદણ આવીને એસટી બસ કે પ્રાઈવેટ વાહન દ્વારા મંદિર સુધી જઇ શકે છે. ઘેલા સોમનાથ મંદિરથી જસદણ બસ સ્ટેન્ડનું અંતર 20 કિમી અને આટકોટ બસ સ્ટેન્ડથી 25 કિમી દૂર છે.
રેલ્વે માર્ગ (By Train)
મંદિર સુધી પહોંચવા માટે રેલવેની સુવિધા પણ ઉપલબ્ધ છે. ભક્તો ગુજરાતના કોઇ પણ ખૂણેથી અંહીં દર્શન કરવા આવી શકે છે.
રાજકોટ રેલવે સ્ટેશન: 88 કિમી
ભાવનગર રેલવે સ્ટેશન: 110 કિમી
હવાઈ માર્ગ (By Flight)
ઘેલા સોમનાથ મંદિરથી રાજકોટ એરપોર્ટ નજીકનું એરપોર્ટ છે. એરપોર્ટ પરથી ભક્તો ટેક્સી કે કાર ભાડે લઈને મંદિર સુધી પહોંચી શકે છે
રાજકોટ એરપોર્ટ: આશરે 88 કિમી
ભાવનગર એરપોર્ટ: આશરે 111 કિમી
ઘેલા સોમનાથ મંદિરની આસપાસ ફરવાલાયક સ્થળો
- હીંગોળગઢ અભયારણ્ય
- હીંગોળગઢ કિલ્લો
- બિલેશ્વર મહાદેવ
- અષ્ટમુખી મહાદેવ મંદિર
- લખા ફુલાણીનું સ્મારક
- ઘેલા નદીનો કિનારો
- ઠાંગા અને મદાવા ડુંગર
