Somnath Temple Prasad: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર તરફથી ભક્તોને અપાતા પ્રસાદના પેકિંગને લઈને મંદિર ટ્રસ્ટે એક અગત્યનો નિર્ણય લીધો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓેની સુવિધા અને ખાસ પર્યાવરણ સંરક્ષણના ઉત્તમ હેતુ સાથે મહાદેવના પ્રસાદને રાખવા માટે રિયુઝેબલ અને ઇકોફ્રેન્ડ્લી પેકિંગ તૈયાર કરવામાં આવ્યું છે. મંદિર પરિસર આસપાસ 1.68 લાખ પ્લાસ્ટિકનો કચરો મળતા આ ખાસ બોક્સ તૈયાર કરાયું છે.
મુખ્યમંત્રીના હસ્તે પેકિંગનું અનાવરણ કરાયું
પ્રસાદના પેકિંગની ડિઝાઈનની વાત કરીએ તો, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈને સંયુક્ત ઉપક્રમે સોમનાથ દાદાના પ્રસાદના પેકિંગ તૈયાર કર્યુ છે. તેમજ ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પેકિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જ ભક્તો માટે આ પેકિંગ ઉપલબ્ધ કરાશે. આ પેકિંગના મટિરિયલમાં ઉચ્ચ ગુણવત્તાનો હેક્ઝાગોનલ કાર્ડ બોર્ડ અને મેટલ બોક્સના ઉપયોગથી પેકિંગ બોક્સ તૈયાર કરાયા છે.
પ્લાસ્ટિક પ્રદૂષણને ધ્યાને લઈને નિર્ણય લેવાયો
મહાદેવને ધરાતા મગસના લાડુના પ્રસાદને પેકિંગમાં રાખવાથી પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘણો ઘટાડો થઈ જશે. તેમજ જો શ્રદ્ધાળુઓ ઈચ્છે તો તેઓ આ બોક્સનો પુન: ઉપયોગ પણ ખરી શકે છે. સોમનાથ ટ્રસ્ટની આ ઈકોફ્રેન્ડલી પહેલથી પર્યાવરણનું સંરક્ષણ કરવામાં ખૂબ જ મદદ મળશે.ભગવાનને ધરાવાતા પ્રસાદની તાજગી અને શુદ્ધતા જાળવવા માટે વિશેષ પેકિંગ તૈયાર કરાયુ છે.
ખાસ પેકિંગમાં મળશે પ્રસાદ
પેકિંગ બોક્સમાં મગસના લાડુને ખુલ્લા રાખવાના બદલે દરેક લાડુનું વ્યક્તિગત પેકિંગ કરાશે. જેથી પ્રસાદનો લાડુ લાંબા સમય સુધી ભેજ અને હવાથી સુરક્ષિત રહીને તાજું રહેશે. જેથી પ્રસાદ નહીં બગડે. સોમનાથ ટ્રસ્ટની આ વિશેષ વ્યવસ્થાથી પર્યાવરણ અને શ્રદ્ધાળુઓની સુવિધામાં ઘણો વધારો થશે.
