Somnath Swabhiman Parva: ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ.’ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમની આ પંક્તિ દર્શાવે છે કે, ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગનું વર્ણન થાય ત્યારે સૌથી પહેલાં સોમનાથનો ઉલ્લેખ આવે છે. આ ભારતની સંસ્કૃતિમાં સોમનાથનું અગ્રસ્થાન તથા તેના અવિનાશી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે.
સોમનાથ મહાદેવ મંદિરનો ગૌરવશાળી ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026 માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર 1026 માં કરવામાં આવેલ પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. સંજોગોવશાત્, 2026 માં જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે. 11 મે, 1951ના રોજ આ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું અને ફરી ભક્તો માટે ખુલ્યું હતું.
સોમનાથ: ભક્તિ અને ભવ્યતાનો સંગમ
શિખર પર 1,666 સુવર્ણ કળશ અને 14,200 ધજાઓ સાથે સોમનાથ મંદિર ત્રણ પેઢીઓની અડગ શ્રદ્ધા, દ્રઢતા અને કલાત્મકતાના પ્રતિબિંબ તરીકે ઊભું છે. દર વર્ષે લાખો લોકો આ જ્યોતિર્લિંગના દર્શન માટે આવે છે. વર્ષ 2020થી 2024 સુધી વાર્ષિક અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન માટે આવ્યા છે. બિલ્વ પૂજા માટે છેલ્લા 2 વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 13.77 લાખ નોંધાઈ હતી, જેમાં મહાશિવરાત્રી 2025 દરમિયાન 3.56 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આજે ઓનલાઇન બુકિંગ અને પોસ્ટલ પ્રસાદની સુવિધા એ સુનિશ્ચિત કરે છે કે સોમનાથની પવિત્રતા મંદિરની સીમાને પાર કરી તમામ ભક્તો સુધી પહોંચે.
આસ્થા સાથે ઉત્સવનું કેન્દ્ર છે 'સોમનાથ યાત્રાધામ'
સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ઉત્સવોનું આકર્ષણ પણ રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો છે. સોમનાથના આંગણે ઉજવાતા ઉત્સવની વાત કરીએ તો, ગત વર્ષે વંદે સોમનાથ કલા મહોત્સવમાં 1,500 વર્ષ જૂની નૃત્ય પરંપરા પુનર્જીવિત થઈ હતી, જે દર્શાવે છે કે, સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે.
આધુનિક પરિવહન સેવાઓ અને વૈશ્વિક કનેક્ટિવિટી
સોમનાથની યાત્રા ભક્તો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. રૂપિયા 828 કરોડના પ્રોજેક્ટ જેતપુર-સોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રિકોને એક્સપ્રેસ-વેની સુવિધા મળી છે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે. આ ઉપરાંત, વર્ષ 2022માં ફરી શરૂ કરવામાં આવેલ કેશોદ એરપોર્ટ અને 2023માં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથ પહોંચવું સુલભ બન્યું છે.
વિકાસ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ "સોમનાથ"
- મંદિરના ફૂલોનું વર્મીકમ્પોસ્ટમાં રૂપાંતર: વર્ષ 2018માં ‘સ્વચ્છ આઇકોનિક પ્લેસ’ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર સોમનાથ આજે ટકાઉ વિકાસ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વેસ્ટ સેગ્રીગેશન કેન્દ્રોમાં હવે મંદિરના ફૂલોને વર્મીકમ્પોસ્ટમાં રૂપાંતરિત કરીને તેનો ઉપયોગ 1,700 બિલ્વ વૃક્ષના સંવર્ધનમાં થાય છે.
- પ્લાસ્ટિક કચરામાંથી નિર્મિત પેવર બ્લોક: મિશન LiFE પહેલ હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી દર મહિને પેવર બ્લોક તૈયાર કરવામાં આવે છે. અહીં દર મહિને લગભગ 4,700 પ્લાસ્ટિક-ફ્લાય એશ બ્લોક્સનું ઉત્પાદન કરવામાં આવશે. જે સ્થાનિક મહિલા સ્વ-સહાય જૂથ માટે આવક ઉત્પન્ન કરશે અને વાર્ષિક 125 ટન પ્લાસ્ટિક રિસાયકલ કરશે.
- ગટર શુદ્ધિકરણ અને ફિલ્ટર પાણીના પ્લાન્ટ: રૂપિયા 62 લાખના ખર્ચે પુન:સ્થાપિત કરવામાં આવેલ છ વરસાદી પાણી સંગ્રહના કુવાઓ અને એક જળાશય દર મહિને લગભગ 30 લાખ લિટર ગટરના પાણીને શુદ્ધ કરે છે, જેનો ઉપયોગ વનીકરણ માટે થાય છે. જ્યારે 2019-20માં રૂ. 160 લાખના રોકાણ સાથે આઠ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા કૃષિ અને લેન્ડસ્કેપ સિંચાઈ માટે 20.53 કરોડ લિટર પાણી ફિલ્ટર કરવામાં આવ્યું છે.
- 7,200 વૃક્ષો ધરાવતું મિયાવાકી વન: 72,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસિત 7,200 વૃક્ષો ધરાવતું મિયાવાકી વન દરિયાઈ અને ખારા પવન સામે રક્ષણ આપે છે. IIT કાનપુરના અભ્યાસ મુજબ, આ વન બે વર્ષ બાદ વાર્ષિક 93,000 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શોષી શકશે.
- અભિષેક માટેનું પવિત્ર પાણી ‘સોમગંગાજલ’: એટલું જ નહીં, ટ્રસ્ટ દ્વારા સેવાભાવે અભિષેક માટેનું પવિત્ર પાણી નવ સ્તરીય શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરીને ‘સોમગંગાજલ’ તરીકે રૂ. 15માં વિતરિત કરવામાં આવે છે. ડિસેમ્બર 2024 સુધીમાં 1.13 લાખથી વધુ પરિવારોને તેનો લાભ મળ્યો છે. આ તમામ પ્રયાસો દ્વારા સોમનાથ નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરેલ ટોપ 10 સ્થાનમાં સામેલ
ગૂગલ પર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરેલા ટોપ 10 સ્થાનોમાં સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2025 માં સોમનાથની સોશિયલ મીડિયા ઇમ્પ્રેશન 1.37 અબજને વટાવી ગઈ છે, જે વિશ્વભરના ભક્તોમાં સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. ભારતની આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક સમું સોમનાથ મંદિર વિકસિત ભારતના નિર્માણ માટે પણ આગળ વધવાની પ્રેરણા આપે છે.
